એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગ કાયદા હેઠળ PACL નામની કંપની સામેની તપાસના ભાગરૂપે આશરે રૂ.187 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કંપની સામે દેશના વિવિધ વિસ્તારોમાં જમીનના પ્લોટ આપવાનું વચન આપીને રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાના આરોપ છે.
કેન્દ્રીત તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કંપની અને અન્યો સામેના કેસમાં ડીડીપીએલ ગ્લોબલ ઇન્ફ્રા, યુનિકોર્ન ઇન્ફ્રાપ્રોજેક્ટ એન્ડ એસ્ટેટ અને બ્રાઇટવ્યૂ પ્રોજેક્સ એન્ડ એસ્ટેટ્સની 3.39 લાખ ચોરસમીટરની કુલ જમીન (સરકારી ભાવ મુજબ મૂલ્ય રૂ.185 કરોડ) તથા રૂ.7.51 કરોડનું બેન્ક બેલેન્સ ટાંચમાં લેવાનો કામચલાઉ આદેશ આપવામાં આવ્યો છે.
ઇડીના જણાવ્યા મુજબ PACL ઇન્ડિયાએ દેશના વિવિધ ભાગોમાં પ્લોટની ફાળવણી માટેની વિવિધ સ્કીમો હેઠળ જનતા પાસેથી નાણા એકઠા કર્યા હતા. કંપનીએ સ્કીમની પાકતી મુદતે પ્લોટના બદલે જમીનનું સંભવિત મૂલ્ય જેટલા નાણા પરત આપવાનો પણ રોકાણકારોને વિકલ્પ આપ્યો હતો. કંપની રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે તથા તેના એજન્ટો અને સ્થાનિક ઓફિસો મારફત દેશમાં કૃષિ જમીનનું વેચાણ કરે છે. કંપનીને જમીન પ્રાપ્તિ માટે સરળ ઇક્વિટી મૂલ્ય ઊભું કરવાનો તથા પછી જમીનના ભાવ વધારાના લાભ એમ બેવડા લાભ મળ્યા હતા. કંપની દેશભરના રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા.
એજન્સીએ જણાવ્યું હતું કે PACLના ડાયરેક્ટર્સે રોકાણકારોના પાસેથી મળેલા નાણા સગેવગે કર્યા હતા અને વિવિધ એકમોમાં રોકાણ કરીને અંગત લાભ લીધા હતા. ઉપરોક્ત બે કંપની PACL સાથે કનેક્શન ધરાવતી હોવાનો આરોપ મૂકીને એજન્સીએ જણાવ્યું હતું કે કંપનીએ ધનશ્રી ડેવલપર્સને રૂ.101 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. તેમાંથી 26 કરોડ ડીડીપીએલ ગ્લોબલ ઇન્ફ્રાને ટ્રાન્સફર કરાયા હતા.
PACLએ પ્રતીક કુમારને રૂ.2,285.79 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. પ્રતીક કુમારે રૂ.94.61 કરોડનું ડીડીપીએલ અને યુનિકોર્નમાં રોકાણ કર્યું હતું.