બ્રિટન ક્વીન્સ પ્લેટીનમ જ્યુબિલીની ઉજવણીના શરૂઆતના ત્રણ દિવસો એટલે કે ગુરૂવાર, શુક્રવાર અને શનિવારના દિવસો દરમિયાન 22 ડીગ્રી સેલ્સીયસ એટલે કે 72 ફેરનહીટ ગરમી સાથે મઝાથી ઉજવણી કરી શકાશે. પરંતુ રવિવારે પેજન્ટ અને બિગ જ્યુબિલી લંચ વખતે વરસાદ કનડગત કરશે એમ હવાનમાન ખાતાની આગાહી જણાવે છે.
ગુરૂવારે ટ્રૂપીંગ ધ કલર અને શુક્રવારે સેન્ટ પોલ્સમાં થેંક્સગિવીંગ સર્વિસ વખતે તેમજ શનિવારના રોજ એપ્સમ ડર્બી અને પેલેસમાં યોજાનાર પાર્ટીમાં હાજરી આપનારા લોકો ખુશનુમા હવામાનનો આનંદ માણશે.
હવામાનશાસ્ત્રીઓ ગુરુવાર અને શનિવારની વચ્ચે સની, વાદળી આકાશ અને શુષ્ક હવામાનની અપેક્ષા રાખે છે. સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં ગુરુવારે 21, શુક્રવારે 22 અને શનિવારે 20 ડીગ્રી સેલ્સીયસ તાપમાન રહેશે. પરંતુ રવિવારે લંડનમાં વાદળછાયા દિવસમાં 19 સેલ્સીયસ તાપમાન અને વરસાદના કેટલાક જોખમ સાથે અસ્થિર હવામાન રહેશે.
