મહારાણીને સન્માનવા માટે બકિંગહામ પેલેસની સામે ધ મોલ ખાતે એક વિશાળ સ્ટાર-સ્ટડેડ શોભાયાત્રામાં રાણીના શાસનના સાત દાયકાની ઉજવણી કરતા કાર્નિવલ ફ્લોટ્સ સાથે સેંકડો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને પરેડની મઝા માણી હતી.
રવિવારની શરૂઆત યુકેના સશસ્ત્ર દળો અને સમગ્ર કોમનવેલ્થના કર્મચારીઓની લશ્કરી પરેડ સાથે થઈ હતી. 1953માં મહારાણીને રાજ્યાભિષેક માટે જેમાં લઇ જવાયા હતા તે 260 વર્ષ જુના ગોલ્ડ પ્લેટેડ સ્ટેટ કોચ શેરીઓમાંથી પસાર થયો હતો. તે કોચમાંથી હોલોગ્રામ ટેકનીક દ્વારા મહારાણી લોકોનું અભિવાદન કરતા હોય તેવી વ્યવસ્થા કરાઇ હતી.
બે કલાકના શો દરમિયાન વિવિધ ફ્લોટ્સ પસાર થયા હતા. પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ જ્યોર્જ સહિત શાહી પરિવારની આગામી ત્રણ પેઢીઓએ તેને રોયલ બૉક્સમાંથી પરેડ નિહાળી હતી.
ડ્યુક અને ડચેસ ઑફ કેમ્બ્રિજે પાછળથી ટ્વિટ કર્યું હતું કે “સ્ટ્રીટ આર્ટ, થિયેટર, સંગીત, રમતગમત અને વધુનું અદ્ભુત પ્રદર્શન… કેટલો આનંદનો પ્રસંગ છે!”
ફ્લોટ્સના લશ્કરી વિભાગમાં રાણીના શાસનના વિવિધ દાયકાઓનું નિરૂપણ કરતી રંગબેરંગી ઝાંખી ઓપન-ટોપ ડબલ-ડેકર બસો દ્વારા રજૂ કરાઇ હતી. જેમાં સંગીત, ફેશન અને કલા ક્ષેત્રે સિદ્ધિઓનું પ્રતિનિધિત્વ કરતી અનેક હસ્તીઓ જોડાઇ હતી.
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા સર ક્રિસ હોયની આગેવાની હેઠળ તમામ આકાર અને કદની બાઇક પર 300 સાઇકલ સવારો જોડાયા હતા. તો વિન્ટેજ કારની પરેડ પણ સામેલ થઇ હતી. તે પછી જેમ્સ બોન્ડની કારોનો સંગ્રહ આવ્યો હતો. આ પરેડમાં છેલ્લા 70 વર્ષથી બ્રિટિશ સંસ્કૃતિને ઘડવામાં મદદ કરનાર ગાયક ક્લિફ રિચાર્ડ, બોક્સર ક્રિસ યુબેંક, મોડલ નાઓમી કેમ્પબેલ, એથ્લેટ સર મો ફરાહ સહિતની ટીવી હસ્તીઓ, સંગીતકારો, શેફ્સ, ખેલાડીઓ, ડિઝાઇનર્સ અને કલાકારોએ ભાગ લીધો હતો.
આ પેજન્ટમાં સમગ્ર યુકેના જૂથોમાંથી સ્ટ્રીટ થિયેટરની ભજવણી, અર્બન ડાન્સ, પણ જોવા મળ્યા હતા. કેટલાક ભારતીયોએ પરેડના એક વિભાગમાં બોલીવુડના લગ્નનું દ્રશ્ય રજૂ કર્યું હતું.
આ શોનો અંત એડ શીરાનના ‘પરફેક્ટ’ની રજૂઆત અને ‘ગોડ સેવ ધ ક્વીન’ રાષ્ટ્રગીતની સામૂહિક પ્રસ્તુતિ સાથે થયો. ખરાબ હવામાનને કારણે રેડ એરો દ્વારા આયોજિત ફ્લાયપાસ્ટ રદ કરવામાં આવી હતી.