મહારાણીના જીવનમાં સુખના દિવસો આવે તે સ્વાભાવિક છે પરંતુ મહારાણી એલિઝાબેથના જીવનમાં કપરો સમય પણ અવારનવાર આવ્યો છે. જેમાં મહારાણી તરીકે તેમનું માથુ શરમથી ઝૂકી ગયું હશે અને તેમને પોતાના સંતાનો અને તેમની વર્તણુંક પર શરમ મહેસુસ કરવી પડી હશે.
1990ના દાયકામાં પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયના સહિત રાજ પરિવારના ત્રણ સંતાનોના લગ્ન જીવનમાં ભંગાણ પડતા રાજ પરિવારની લોકપ્રિયતા છેક તળિયે જઈ બેઠી હતી. લેડી ડાયનાનું અકસ્માતમાં મૃત્યુ થયા બાદ રાણી એલિઝાબેથની અવગણના, સખત અણગમાની લાગણીએ પ્રજાના મનમાં પરિવાર પ્રત્યેનું અને ખાસ તો રાણી પ્રત્યેનું માન સાવ ઓછું કરી નાખ્યું હતું. ડાયનાને એ વખતના વડાપ્રધાન ટોની બ્લેરે પીપલ્સ પ્રિન્સેસ (પ્રજાના હૃદયની રાજકુમારી) તરીકે વર્ણવ્યા હતા અને તેના પ્રત્યેની લોકલાગણી એટલી પ્રચંડ હતી કે રાણીને અનિચ્છાએ પણ પોતાનું વલણ બદલી તેની અંતિમ ક્રિયામાં વધારે ઘનિષ્ઠતાથી સામેલ થવું પડ્યું હતું. મીડિયાએ રાણીના એ વખતના વલણની આકરી ટીકા કરી હતી.
પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન માર્કલે ગયા વર્ષે શાહી પરિવાર રેસીસ્ટ હોવાના આક્ષેપો સાથે અમેરિકા રહેવા જવાના આને શાહી પરિવાર સાથે છેડો ફાડી રોયલ ટાઇટલ્સ ત્યજી દેવાનો નિર્ણય કરતા મહારાણીની હાલત કફોડી થઇ હતી. તે વખતે મોટાભાગના લોકોએ પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન માર્કલ સામે જાહેર રોષ પ્રગટ કરી તેમના રોયલ્સ ટાઇટલ છીનવી લેવા હાકલ કરી હતી અને તેઓ પ્રજાના પૈસેનું બનેલું ભંડોળ લેવા માટે પાત્રતા ધરાવતા નથી તેમ જણાવ્યું હતું.
ડ્યુક ઑફ એડિનબરા પ્રિન્સ ફિલીપ હૉસ્પિટલમાં હાર્ટ સર્જરી કરાવી સ્વસ્થ થઇ રહ્યા હતા ત્યારે દંપતીએ ટીવી ઇન્ટરવ્યૂ આપી શાહી પરિવારની પ્રતિષ્ઠાને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. બ્રિટનના મોટાભાગના લોકોએ ડ્યુક અને ડચેસ ઑફ સસેક્સના વિસ્ફોટક ઇન્ટરવ્યૂને વખોડી કાઢી તેમણે રાણીને નીચાજોણું કરાવ્યું હતું તેઓ અભિપ્રાય આપી તેમની આકરી નિંદા કરી હતી.
અમેરિકાના પીડોફાઇલ જેફરી એપ્સટાઇન સાથેની મિત્રતા અને વર્જિનિયા રોબર્ટ્સ સાથે ત્રણ જુદા જુદા પ્રસંગોએ શરીરસંબંધ બાંધવાના પ્રિન્સ એન્ડ્ર્યુ પરના આરોપોને પગલે મહારાણી અને શાહી પરિવારને આંચકો લાગ્યો હતો. પ્રિન્સ એન્ડ્ર્યુએ તે કેસ પેટે સાત મિલિયન પાઉન્ડના ખર્ચે સેટલમેન્ટ કરતા મહારાણીની પ્રતિષ્ઠાના લીરે લીરા થઇ ગયા હતા.
આજે પોતાનું લોહી હોવાના કારણે પ્રિન્સ હેરી કે પ્રિન્સ એન્ડ્રયુ પર મહારાણીને દિલમાં લાગણી હશે પણ તેમના કરતૂતોએ રાણીના હ્રદયને વિધી નાંખ્યું છે તેમ કહીએ તેમાં કોઇ જ બે મત નથી.