મહારાણી એલિઝાબેથ બીજાના રાજ્યારોહણની 70મી વર્ષગાંઠ પ્રસંગે યોજાયેલા પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવની દેશ-વિદેશમાં લાખ્ખો લોકોએ શાનદાર રીતે ઉજવણી કરી હતી. કરોડો લોકોએ આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમોનું ટીવી પ્રસારણ જોયું હતું. તો યુકેભરમાં મહારાણી પ્રતિ આદરભાવ સાથે દેશભક્તિના અનેરા દર્શન કરાવી લાખ્ખો લોકોએ સ્ટ્રીટ પાર્ટીઓની મોજ માણી હતી.
લંડનમાં પેજન્ટ પરેડ અને બકિંગહામ પેલેસની બહારની પાર્ટીથી લઈને થેંક્સગિવીંગ સર્વિસ, બિકન્સ લાઇટીંગ, એપ્સમ ડર્બી સુધીના કાર્યક્રમોમાં 96 વર્ષીય મહારાણીને સ્નેહભરી આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહારાણીએ ઉજવણીમાં જોડાયેલા સૌ કોઇનો આભાર વ્યક્ત કરતા પત્રમાં જણાવ્યું હતું કે ‘’સમગ્ર યુકેમાં યોજાયેલી પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીથી હું નમ્ર છું અને તે મને ઊંડે સુધી સ્પર્શી છે. હું મારા પરિવારના સમર્થન સાથે રાણી તરીકે સેવા આપવા માટે પ્રતિબદ્ધ છું. મારું હૃદય તમારી સાથે છે.’’
1,000 વર્ષમાં રાજાશાહીના ઇતિહાસમાં પોતાના કોઈપણ પુરોગામી કરતાં વધુ સમય સુધી શાસન કરનાર મહારાણી વયના કારણે સર્જાયેલી હલનચલનની તકલીફો તેમ જ થાકના કારણે શુક્રવારે યોજાયેલી થેંક્સગિવીંગ સર્વિસમાં તેમજ શનિવારે એપ્સમ ડર્બીમાં મહારાણી હાજર રહી શક્યા નહતા. પરંતુ આ પ્રસંગોએ તેમના અનુગામી પુત્ર પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પૌત્ર વિલિયમે કાર્યક્રમોમાં ઉપસ્થિત થઇને સૌનું ધ્યાન કેન્દ્રિત થયું હતું.
પ્લેટિનમ જ્યુબિલી ઈવેન્ટ્સની શરૂઆત ગુરુવારે ટ્રુપિંગ ધ કલર સાથે થઈ હતી જેમાં મહારાણી પોતાના શાહી પરિવાર સાથે બકિંગહામ પેલેસની બાલ્કનીમાં દેખાયા હતા. તો પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી પૂર્ણ કરતાં મહારાણીએ પરિવારની ત્રણેય પેઢીઓના રાજવીઓ સાથે બકિંગહામ પેલેસની વિખ્યાત બાલ્કનીમાં ઉપસ્થિત થયાં હતાં. ગુરુવારે સાંજે વિન્ડસર કાસલ ખાતે યોજાયેલા બીકન લાઇટિંગ સમારોહનો પ્રારંભ કરવા માટે મહારાણી એ પ્રતીકાત્મક રીતે પૃથ્વિના ગોળાને સ્પર્શ કર્યો હતો.
ચાર દિવસીય બેંક હોલિડે સપ્તાહના અંતિમ દિવસે રવિવારે બકિંગહામ પેલેસથી દૂર, લગભગ 10 મિલિયન લોકોએ સમગ્ર યુકેના વિવિધ નગરો અને શહેરોમાં જ્યુબિલી પાર્ટીઓ, બિગ જ્યુબિલી સ્ટ્રીટ લંચ, પિકનિક અને બાર્બેક્યુનું આયોજન કર્યું હતું.
મહારાણીને સન્માનવા માટે બકિંગહામ પેલેસની સામે ધ મોલ ખાતે એક વિશાળ સ્ટાર-સ્ટડેડ શોભાયાત્રામાં રાણીના શાસનના સાત દાયકાની ઉજવણી કરતા કાર્નિવલ ફ્લોટ્સ સાથે સેંકડો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
શનિવારે રાત્રે બકિંગહામ પેલેસ ખાતે સાંજની પ્લેટિનમ પાર્ટી દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ અને દેશની ટોચની હસ્તીઓ તરફથી સ્નેહભરી અંજલિ આર્પણ કરાઇ હતી. જેમાં પ્રિન્સ ચાર્લ્સે મહારાણીને શ્રદ્ધાંજલિ આપી તેમના સિંહાસન પરના સાત દાયકાના શાસનની સરાહના કરી હતી.
પ્રિન્સેસ બીટ્રાઇસ અને પ્રિન્સેસ યુજેની વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલ દ્વારા સ્થાનિક સ્વયંસેવક અને કોમ્યુનીટી ગૃપ્સ માટે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. પ્રિન્સ એડવર્ડ અને તેની પત્ની સોફી નોર્ધર્ન આયર્લૅન્ડમાં યોજાયેલા પાર્ટીમાં જોડાયા હતા. પ્રિન્સેસ એનીએ એડિનબરાની મુલાકાત લીધી હતી અને તેમણે એપ્સમ ખાતે શનિવારે યોજાયેલી ડર્બી ડેમાં રાણીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- લંડનના સેન્ટ પોલ કેથેડ્રલમાં નેશનલ સર્વિસ ઑફ થેંક્સગિવીંગ કાર્યક્રમને મહારાણી એલિઝાબેથે વિન્ડસર કાસલ ખાતે ટેલિવિઝન પર જોયો હતો.
- સર્વિસ પછી સીટી ઓફ લંડનના લોર્ડ મેયરે ગિલ્ડહોલમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં મોટા ભાગના વરિષ્ઠ રાજવીઓ, વડા પ્રધાન જૉન્સન અને તેમના મંત્રીઓએ હાજરી આપી હતી.
- મહારાણી એલિઝાબેથના ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ સહિત અન્ય 14 દેશોના વડા પણ છે.
- ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે મહારાણી બ્રિટિશ લોકોમાં અત્યંત લોકપ્રિય અને આદરણીય છે.
- ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન, યુએસ પ્રમુખ જો બાઇડેન અને પોપ ફ્રાન્સિસ સહિતના નેતાઓએ અભિનંદન આપ્યા હતા.