96-વર્ષીય મહારાણી એલિઝાબેથ બીજા સત્તાના સિંહાસન પર આરૂઢ થવાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે ત્યારે દેશ- વિદેશના તમામ લોકોનું ધ્યાન તેમના પછી કોણ સત્તા સ્થાને બિરાજશે તેના પર છે અને તેમાં સૌથી આગળ, પહેલું લોકપ્રિય નામ તેમના પૌત્ર પ્રિન્સ વિલિયમનું આવી રહ્યું છે.
મહારાણીની તબિયત અને તેમના હલનચલન અંગેની વધતી ચિંતાઓ જોતાં તેમની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી ભવિષ્ય માટે ચિંતન કરવા પ્રેરે છે.
મોટાભાગના મતદાનો મુજબ બહુમતી બ્રિટીશ જનતા રાજાશાહીને સમર્થન આપે છે. પરંતુ 73 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સ લોકોમાં ઓછી લોકપ્રિયતા ધરાવે છે. તેમની ઉંમર, ડાયેના સાથેના તેમના લગ્ન જીવન અને અન્ય ઘણી બાબતોના કારણે તેમની લોકપ્રિયતા ઓછી છે. એક અહેવાલ મુજબ પ્રિન્સ ચાર્લ્સની મુખ્ય ચેરીટી સંસ્થામાં કથિત ગેરરીતિની પણ પોલીસ તપાસ કરી રહી છે.
તેમના પછી સિંહાસન માટે બીજા ક્રમે આવતા પુત્ર વિલિયમ અને તેમના પત્ની કેટ મહારાણી પછી સૌથી વધુ પસંદ કરાતા રાજવીઓ છે. પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગનની વર્તણુંકે પ્રિન્સ વિલિયમની લોકપ્રિયતામાં વધારો કર્યો છે અને આ યુવાન પરિવાર ઝડપથી બદલાતા સમાજને નેવિગેટ કરવામાં રાજાશાહીને લાંબા ગાળાની સદ્ધરતા અપાવવામાં અને તે જાળવવા માટે વધુ મદદ કરશે એમ જણાઇ રહ્યું છે.
40 વર્ષના વિલિયમ અને કેટ છેલ્લા પાંચ વર્ષમાં હોલીવુડ સ્ટાર અપીલ સાથે વિશ્વના સૌથી ગ્લેમરસ યુગલોમાંના એક તરીકે અત્યંત હકારાત્મક મીડિયા કવરેજ મેળવી રહ્યા છે. વિલિયમે પોતાના જાહેર કાર્યક્રમો દ્વારા છેલ્લા દાયકામાં બ્રિટિશ ટેબ્લોઇડ્સે આપેલું ‘શરમાળ’નું ઉપનામ પણ હટાવી દીધું છે. વિલિયમની માનસિક સ્વાસ્થ્ય, ઘરવિહોણા લોકો અને પર્યાવરણ પરના કાર્યો માટે ઘણી પ્રશંસા કરાઇ છે.
પરંતુ દંપતીની તાજેતરની કેરેબિયન દેશોની મુલાકાત વખતે બ્રિટનના શાહી ભૂતકાળના વિરોધ અને ટીકા થઇ હતી. આ મુલાકાતે વિલિયમ અને કેટને રાજાશાહી કેવી રીતે દેખાવી જોઈએ તેના પર પુનર્વિચાર કરવા માટે પ્રેરિત કર્યા છે. આ દંપતી તેમના નામોથી નહીં પરંતુ તેમના ટાઇટલ્સ ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજથી ઓળખાવા માંગે છે.
વિલિયમ સ્વીકારે છે કે રાજાશાહીને સુસંગત રહેવા માટે સમય સાથે આગળ વધવાની જરૂર છે. રાણીએ 2016માં પ્રિન્સ વિલિયમને ભાવિ રાજા તરીકે પોતાના શ્રેષ્ઠ આદર્શ ગણાવ્યા હતા.
પણ આજની તારીખે બ્રિટનમાં કોઇએ રાણીએ ગાદી છોડવી જોઈએ કે પ્રિન્સ ચાર્લ્સને રાજતિલક કરવાની કોઈ માંગણી કે લાગણી રજૂ કરી નથી. કેટલાક નિરીક્ષકોના મતે તો હવે બીજા શાસકની તાજપોશી કરવાનો પ્રસંગ આવે તો શાહી પરિવારે એક પેઢી કુદાવીને પ્રિન્સ ચાર્લ્સના બદલે તેમના પુત્ર પ્રિન્સ વિલિયમને શિરે તાજ પહેરાવવો જોઈએ એની માગણી થઇ રહી છે.