દુબઈથી આવી રહેલી ફ્લાઇટ IX-1344નું વિમાન કાલિકટ (કોઝિકોડ) એરપોર્ટ પર તા. 7ના રોજ સ્થાનિક સમય મુજબ બપોરના 2-30 કલાકે ભારે વરસાદ વચ્ચે લેન્ડીંગ વખતે રનવે પરથી નીચે ઉતરી બે ટૂકડામાં ભાંગી પડતા ઓછામાં ઓછા 16 લોકોના મરણ થયા હતા. જ્યારે 35 જણાને ઇજાઓ થઇ હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસના આ વિમાનમાં 191 લોકો સવાર હતા એમ ભારતની ઉડ્ડયન ઓથોરિટીએ જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો.
કાલિકટનાં ધારાસભ્ય એમ કે રાઘવાને બીબીસીને જણાવ્યું હતું કે ‘’આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત નીપજ્યાં હતાં.’’ બોઇંગ 737 જેટ પર સવાર મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 35 લોકોને ઈજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
એરલાઇને જણાવ્યું હતું કે વિમાનમાં 10 બાળકો સહિત 184 મુસાફરો અને બે પાઇલટ સાથે ક્રૂના સાત સભ્યો સામેલ હતા. કોરોનાવાયરસ કટોકટી દરમિયાન વિદેશમાં અટવાયેલા ભારતીયોને પરત મોકલવા માટે સરકાર દ્વારા આ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું.
ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ જણાવ્યું હતું કે ‘’વિમાન રનવે પરથી ઉતરીને એક ખીણમાં પડી ગયું હતું અને તેના બે ટુકડા થઇ ગયા હતા. સદનસીબે તેમાં કોઇ આગ લાગી ન હતી.
ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, “કેરળના કોઝિકોડમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનની દુ:ખદ દુર્ઘટના વિશે જાણીને વ્યથિત થયો છું. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF) ને વહેલી તકે સ્થળ પર પહોંચવા અને બચાવ કામગીરીમાં મદદ કરવા સૂચના આપી છે.”
છેલ્લે મે 2010 માં, એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મેંગલોર એરપોર્ટ રનવે પરથી ઉતરી જતા 157 લોકો મૃત્યુ પામ્યા હતા. આવી જ એક ઘટના જુલાઈ, 2019 માં મેંગ્લોરમાં બની હતી.