યુક્રેનના 65 યુદ્ધકેદીઓને લઇને જતું રશિયાનું IL-76 હેવી-લિફ્ટ મિલિટરી એરક્રાફ્ટ રશિયાના બેલ્ગોરોડ પ્રદેશમાં ક્રેશ થયું હતું. યુદ્ધકેદીઓને આદાનપ્રદાન માટે લઈ જવામાં આવી રહ્યાં હતા. રશિયાએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. વિમાનમાં છ ક્રુ મેમ્બર અને ત્રણ એસ્કોર્ટ હોવાનું પણ માનવામાં આવે છે.
આ વિમાન દુર્ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરાયો હતો અને તે ખૂબ જ વાયરલ બન્યો હતો. યુક્રેન યુદ્ધમાં રશિયાએ યુક્રેનના ઘણા સૈનિકોને પકડીને તેમને યુદ્ધકેદી બનાવ્યા છે. આ પ્લેન ક્રેશ એક અકસ્માત હતો કે કાવતરાનો ભાગ હતો તે અંગે વિવિધ આશંકાઓ વ્યક્ત થઈ હતી.
સ્થાનિક સમય પ્રમાણે સવારે 11 વાગ્યે આ ઘટના બની હતી. આ વિમાન બેલ્ગોરોડ વિસ્તારમાં એરફિલ્ડ પર પાછું આવતું હતું ત્યારે અચાનક તૂટી પડ્યું અને આગની જવાળાઓમાં લપેટાઈ ગયું હતું.
રશિયન ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે આ વિમાનમાં 65 યુક્રેનિયન સૈનિકો હતાં જેમને યુદ્ધ દરમિયાન પકડીને બંધક બનાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ચાલકદળના છ લોકો અને ત્રણ એસ્કોર્ટ હતા. બીજી તરફ યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે યુક્રેનની એર ડિફેન્સને પાર કરીને રશિયાએ એક મિસાઈલ એટેક કર્યો હતો, જેમાં 18 લોકોના મોત થયા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના આશરે 700 દિવસ થયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં જાનહાનિનો આંકડો હજારોમાં પહોંચી ગયો છે.