(ANI Photo)

દેવાનો બોજ હળવો કરવા અને રોકાણકારોને આકર્ષવા માટે બિલિયોનેર અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત લિમિટેડે આ ગ્રૂપનું છ અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરવાની યોજના બનાવી છે. કંપનીના બોર્ડે એસેટ-ઓનર બિઝનેસ મોડલને શુક્રવારે મંજૂરી આપી હતી. આ પુનર્ગઠન કવાયત 12થી 15 મહિનામાં પૂરી થવાની ધારણા છે.

સૂચિત યોજનામાં વેદાંત લિમિટેડ ઉપરાંત પાંચ નવી લિસ્ટેડ કંપનીઓ હશે. તેમાં વેદાંત એલ્યુમિનિયમ, વેદાંત ઓઈલ એન્ડ ગેસ, વેદાંત પાવર, વેદાંત સ્ટીલ અને ફેરસ મટિરિયલ્સ અને વેદાંત બેઝ મેટલ્સનો સમાવેશ થાય છે. વેદાંત લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે આ ડિમર્જરથી મૂલ્ય બહાર લાવી શકાશે અને દરેક બિઝનેસના ઝડપી વૃ્દ્ધિની સંભાવના ખુલશે.

અનિલ અગ્રવાલને આશા છે કે અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓના સર્જનથી બિગ ટિકિટ ઇન્વેસ્ટમેન્ટને આકર્ષી શકાશે. વેદાંતની લંડન સ્થિત માલિક કંપની વેદાંત રિસોર્સિસે 2024માં આશરે બે બિલિયન ડોલરનું દેવું ચુકવવાનું છે. મૂડીઝે તાજેતરમાં વેદાંત રિસોર્સિસના ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ કર્યું છે. કંપનીએ દેવાનું પુનર્ગઠન કરવું પડે તેવું ઊંચું જોખમ છે.
કંપનીએ જણાવ્યું હતું કે વેદાંત લિમિટેડના દરેક શેર માટે શેરહોલ્ડર્સને પાંચ નવી લિસ્ટેડ કંપનીઓના વધારાના એક-એક શેર મળશે. દરેક કંપનીનું પોતાનું સ્વતંત્ર બોર્ડ હશે અને વેદાંતા પાવરને બાદ કરતાં શેર દીઠ રૂ. 1ની ફેસ વેલ્યુ રહેશે. વેદાંતની જાહેરાત ઉપરાંત તેની ઝીંક પેટાકંપની, હિન્દુસ્તાન ઝિંકે પણ મૂલ્ય બહાર લાવવા માટે તેના કોર્પોરેટ માળખાની સર્વગ્રાહી સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે ઝિન્ક એન્ડ લેડ, સિલ્વર અને રિસાઇક્લિંગ બિઝનેસ માટે અલગ-અલગ એકમોનું રચના કરવામાં આવે તેવી શક્યતા છે.

વેદાંતના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે અત્યાર સુધી જાહેર કરાયેલ મૂડી ખર્ચ યોજનાઓ યથાવત છે. હિંદુસ્તાન ઝિંક અને વેદાંત બંને ખાતેના ગીરવે મૂકેલા શેર અંગે કંપનીએ જણાવ્યું હતું કે જરૂરી ધિરાણકર્તાની મંજૂરી માંગવામાં આવશે અને તેમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી.

LEAVE A REPLY