કેલિફોર્નિયામાં સોમવારે ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટની માલિકીનું બે એન્જિનનું વિમાન તૂટી પડતા આ ફિઝિશિયન સહિત બેના મોત થયા હતા. વિમાન દુર્ઘટનાને પગલે નજીકના મકાનોમાં આગ લાગી હતી અને ભારે નુકસાન થયું હતું, એમ મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું.
એરિઝોનામાં યુમા રિજનલ મેડિકલ સેન્ટર (YRMC)માં ઇન્ટરવેન્શનલ કાર્ડિલોજિસ્ટ તરીકે કાર્ય કરતાં ડો સુગાતા દાસ આ નાના વિમાનના માલિક હતા, એમ આ સેન્ટરે જણાવ્યું હતું. જોકે વિમાન તૂટી પડ્યું ત્યારે દાસ પાઇલટ તરીકે વિમાન ચલાવતા હતા કે નહીં તે સ્પષ્ટ નથી.
YRMCના ચીફ મેડિકલ ઓફિસર ભરત માગુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થાનિક કાર્ડિયોલિજ્સટ સુગાતા દાસની માલિકીનું વિમાન તૂટી પડવાની ઘટનાથી અમને દુઃખ થયું છે. અસાધારણ કાર્ડિયોલિસ્ટ અને સમર્પિત ફેમિલી મેન દાસ તેમની પાસે સ્થાયી વારસો છોડી ગયા છે. આ વિમાન કેલિફોર્નિયાના સાન્ટીમાં સંતના હાઇ સ્કૂલ નજીક તૂટી પડ્યું હતું. વિમાનમાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. તેનાથી બે મકાન સળગી ગયા હતા અને બીજા પાંચને નુકસાન થયું હતું.
બંગાળી પરિવારમાં જન્મેલા દાસનો પૂણેમાં ઉછેર થયો હતો. તેઓ યુએસ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન પાવર ઓફ લવ ફાઉન્ડેશનના ડિરેક્ટર પણ હતા. આ ફાઉન્ડેશન વિદેશમાં AIDS અને HIV ગ્રસ્ત મહિલા અને બાળકોને મદદ કરે છે, એમ તેની વેબસાઇટમાં જણાવાયું છે.
વેબસાઇટમાં જણાવ્યા અનુસાર બે પુત્રોના પિતા દાસ સાન ડિયોગોમાં રહેતા હતા અને બે એન્જિનના સેસના 340 વિમાનના માલિક હતા તથા ઇન્ટ્રુમેન્ટ રેટેડ પાઇલટ હતા.