લાગલગાટ 20 મિનિટ સુધી પિતાને ક્રિકેટ બેટ અને મેટલ ડોગ બૉલ વડે માર મારી ખોપરી, ચહેરા અને નાકમાં ફ્રેક્ચર કરી પગ તોડી નાંખી હત્યા કરનાર ફિલિપ બડવાલે નામના 25 વર્ષના યુવાનને ઓછામાં ઓછા 20 વર્ષની જેલ કરવામાં આવી છે. તેણે પિતાની હત્યા કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ બુધવારે તા. 5ના રોજ તેણે તેની પ્લી બદલી હતી.
ચાર્લી તરીકે ઓળખાતા 59 વર્ષના સંતોખ સિંહની તેમના પુત્ર ફિલિપે 30 નવેમ્બર 2020ના રોજ એરડેલ રોડ, બ્રેડફોર્ડ ખાતે તેમના ઘરે હુમલો કરી હત્યા કરી હતી. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે ફિલિપની સુનાવણી કરી હતી. બનાવ સમયે ફિલિપ શેરીઓમાં લુટફાટ કરવાના ઘણા આરોપો બદલ જામીન પર હતો અને પિતા સાથેની દલીલ પછી ઉશ્કેરાઇ જઇને તેણે હુમલો કરી દીધો હતો.
ફિલિપ આ અગાઉ તેના પિતાને ધમકીઓ આપી ચૂક્યો હતો અને હિંસા આચરી હતી. તે પિતાને બહાર જઇ ડ્રગ્સ ખરીદવા અને ડ્રગના દેવાની ચૂકવણી કરવા દબાણ કરતો હતો. હુમલા બાદ તેણે પડોશીની વાડ પર ક્રિકેટ બેટ ફેંકી દીધું હતું અને તેના ફોનનો નિકાલ કરી પોલીસને જણાવ્યું હતું કે તે દિવસે સવારે તેના પિતા ખરાબ રીતે ઘાયલ થયા હતા અને ઘરે આવ્યા હતા. હુમલા બાદ ફિલિપે ઈમરજન્સી સર્વિસને બદલે ડ્રગ ડીલરના નંબર પર ફોન કર્યો હતો.
ફિલિપને મે મહિનામાં લેસ્ટર ક્રાઉન કોર્ટમાં પાંચ વર્ષની જેલ થઇ હતી. શ્રી સિંઘે પબ્લિકન અને એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.