ફિલિપાઈન્સમાં રવિવારે મિલિટરી વિમાન તૂટી પડતી ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા હતા અને 50 લોકોને ઇજા થઈ હતી. વિમાને 100 સૈનિકોને લઈને કાગાયન ડી ઓરો સિટી ખાતેથી ઉડાન ભરી હતી અને સુલુ પ્રાંતમાં જોલો ટાપુ પર ઉતરાણ વખતે તૂટી પડ્યું હતું અને આગના ગોળામાં તબદિલ થયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
સી-130 હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ પ્લેનમાં આગ લાગવાના કારણે ભારે મોટી દુર્ઘટના બની હતી. પ્લેન જમીન પર પડે તે પહેલા કેટલાંક સૈનિકોએ તેમનાથી કુદકો માર્યો હતો. આર્મી ચીફ જનરલ સિરિલિટો સોબેજાનાએ જણાવ્યું કે, સી-130ના સળગી રહેલા કાટમાળમાંથી અત્યાર સુધીમાં 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સુલુ પ્રાંતના જોલો દ્વીપ પર ઉતરતી વખતે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્લેનના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 17 જવાનોના શબ બહાર કાઢવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અનેક દશકાથી સરકારી સુરક્ષાદળ સુલુના મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતમાં અબૂ સય્યાફના કટ્ટરવાદીઓ સામે ઝઝૂમી રહ્યા છે. જોકે સૈનિક પ્રવક્તા કર્નલ એડગાર્ડ અરેવલોના કહેવા પ્રમાણે વિમાન પર કોઈ પણ પ્રકારના હુમલાના કોઈ સંકેત નથી મળ્યા. આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે પરંતુ હાલ બચાવ અને રાહત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.