ભૂતપૂર્વ ચાન્સેલર અને ટોરી પક્ષના લોર્ડ હેમન્ડને તેમના સરકારી જોડાણોનો ઉપયોગ કરીને બેંકને સલાહ આપવા બદલ સ્વતંત્ર વોચડોગ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. પિકલ્સે આ અંગે કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવને પત્ર લખ્યો હતો.
એડવાઇઝરી કમીટી ઓન બિઝનેસ એપોઈન્ટમેન્ટ્સ (એકોબા)ના ચેરમેન લોર્ડ પિકલ્સે જણાવ્યું હતું કે ‘’ઓકનોર્થ બેન્ક દ્વારા વિકસિત પ્રોજેક્ટ અંગે ટોરી પીઅર લોર્ડ હેમન્ડ દ્વારા ટ્રેઝરીના વરિષ્ઠ અધિકારીનો સંપર્ક કરવો તે એક અવિવેકી પગલું છે. હેમન્ડ દ્વારા તેમના સંપર્કોનો ઉપયોગ “આ રીતે નિયમોના હેતુ સાથે સુસંગત કે સ્વીકાર્ય નહોતો”.
હેમન્ડે દલીલ કરી હતી કે ‘’મેં ટ્રેઝરીના બીજા પરમેનન્ટ સેક્રેટરી ચાર્લ્સ રોક્સબર્ગને ઇમેઇલ કર્યો હતો, જેથી વરિષ્ઠ અધિકારીઓને જાણ થાય કે બેંક રોગચાળા દરમિયાન મફત સહાય આપી રહી છે. ઓકનોર્થે ભાગીદાર બેંકોને ધિરાણ અને પુન: ધિરાણના નિર્ણયો લેવામાં મદદ કરવા માટે “ટૂલકિટ” વિકસાવી હતી. અમારો હેતુ બેંકને લાભ આપવાનો અથવા ‘ઓકનોર્થ અથવા તેના ભાગીદારો/ગ્રાહકો વતી બિઝનેસ મેળવવાનો નહતો.’’
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ પ્રધાનોએ ઓફિસ છોડ્યાના બે વર્ષ સુધી સરકારની બહાર કોઈ નવી સવેતન અથવા અવેતન નિમણૂક લેતી વખતે એકોબા પાસેથી સલાહ લેવી પડે છે.
