રજૂ કરાયેલ છેતરપિંડીયુક્ત ફેન્ટાનાઇલ પ્રિસ્ક્રિપ્શન પર પોતાના જ સમુદાયના વિશ્વાસુ સભ્યને દવાઓ પૂરી પાડનાર વોલ્સલની અલ-શફા ફાર્મસીમાં સુપરિન્ટેન્ડેન્ટ ફાર્માસિસ્ટ તરીકે કામ કરતા જગજીત સિહોતાને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ જેને ‘લાઇફ મેન્ટોર’ માનતા હતા તે દર્દીની સેવા કરતી વખતે અસંખ્ય “રેડ ફ્લેગ્સ” ચૂકી ગયા હતા.
જગજીત સિહોતાને જનરલ ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ (GPhC) ફિટનેસ-ટુ-પ્રેક્ટિસ (FtP) સમિતિની સુનાવણીમાં સસ્પેન્શન સોંપવામાં આવ્યું હતું. તેમણે જાન્યુઆરી 2018 અને ફેબ્રુઆરી 2019 વચ્ચે “લાઇફ મેન્ટર”ને ટ્રેમાડોલ અને એમિટ્રિપ્ટાઇલાઇનની સાથે ફેન્ટાનાઇલ આપી હતી. ફેન્ટાનાઇલ વ્યસનકારક કૃત્રિમ ઓપીયોઇડ ધરાવે છે અને તેનો ઉપયોગ પીડાના નિયંત્રણ માટે થાય છે.
દર્દીને ઘણી વખત ફેન્ટાનાઇલ આપ્યા પછી ફેબ્રુઆરી 2019માં શ્રી સિહોતાએ સ્થાનિક કમિશનર – NHS સેન્ડવેલ અને વેસ્ટ બર્મિંગહામ ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપ (CCG) ને જણાવ્યું હતું કે જે તે પ્રિસ્ક્રિપ્શન્સમાં કપટ કરી સુધારા કરાયા હતા.
જેને પગલે, સાઉથ વોરીકશાયર NHS ટ્રસ્ટની કાઉન્ટર ફ્રોડ ઓફિસ દ્વારા તપાસ શરૂ કરાતા જણાયું હતું કે ત્રણ GP પ્રેક્ટિસ દ્વારા જારી કરાયેલ 87 પ્રિસ્ક્રિપ્શન્સમાં કરાયેલા “હસ્તલિખિત સુધારાઓ” પ્રિસ્ક્રાઇબરનું કામ નથી.
સિહોતાએ તમામ આરોપો સ્વીકારી કહ્યું હતું કે તેઓ તેમની ફરજમાં “નિષ્ફળ” થયા છે. જો કે શ્રી સિહોતાએ NHSને શંકાસ્પદ પ્રિસ્ક્રિપ્શનની જાણ કરી હતી અને પરિણામે દર્દી હવે “ફોજદારી કાર્યવાહી”ને પાત્ર થયો છે.