વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G)એ ભારતમાં એક્સપોર્ટ હબ સ્થાપવા માટે ગુજરાતમાં રૂ.2,000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. પર્સનલ હેલ્થકેર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં હેલ્થકેર પ્રોડક્ટ્સ અને ખાસ કરીને ડાયજેસ્ટિવ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવશે.
આ પ્લાન્ટ આગામી થોડા વર્ષોમાં કાર્યરત થશે અને વૈશ્વિક સ્તરે P&G માટે નિકાસ હબ બનશે. તેનાથી P&G ઈન્ડિયાને સમગ્ર વિશ્વમાં ગ્રાહકોને પ્રોડક્ટ્સ પહોંચાડવામાં મદદ મળશે. આ રોકાણ સાથે, P&G ઇન્ડિયા સેંકડો પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રમાં નોંધપાત્ર વધારો થશે.
પી એન્ડ જી ઇન્ડિયા ભારતમાં હાલમાં આઠ પ્લાન્ટ ધરાવે છે અને ગુજરાતમાં તે તેની હાજરીમાં વધારો કરવા માગે છે. કંપની સાણંદમાં એક પ્લાન્ટ ધરાવે છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે ગુજરાતમાં પર્સનલ હેલ્થકેર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના માટે રૂ.20 અબજ (243.79 મિલિયન ડોલર)નું રોકાણ કરશે. આ પ્લાન્ટ આગામી થોડા વર્ષમાં કાર્યરત થશે અને તે પી એન્ડ જી માટે ગ્લોબલ એક્સપોર્ટ હબ બનશે.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ P&G ઈન્ડિયાના સીઈઓ એલવી વૈદ્યનાથને આ રોકાણની જાહેરાત કરી હતી. આ નવો પ્લાન્ટ આશરે 50,000 ચોરસમીટર એરિયામાં હશે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે “આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નિકાસ હબ પણ હશે અને અમે સ્થાનિક સમુદાય માટે માટે ઊભી થનારી તમામ તકોનું સ્વાગત કરીએ છીએ. સાણંદમાં હાલના પ્લાન્ટ સાથે ગુજરાત અને P&G ઇન્ડિયા લાંબા સમયથી જોડાણ ધરાવે છે. અમારા રાજ્યમાં તેમની કામગીરીનું વિસ્તરણ એ અપાર સંભાવનાઓ, તકો અને ગુજરાત દ્વારા ઉદ્યોગને આપેલી સહાયતાનો પુરાવો છે.”