અમેરિકાની મલ્ટિનેશનલ કન્ઝ્યુમર ગુડ્સ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) પોતાની હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટે ગુજરાતમાં રુ.500 કરોડના રોકાણ સાથે પ્લાન્ટની સ્થાપના કરશે. આ રોકાણ પ્લાન તાજેતરમાં કંપનીની મેનેજમેન્ટ ટીમ અને સરકારી અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ જાહેર કરવામાં આવ્યો હતા.
વિશ્વની સૌથી મોટી FMCG કંપનીઓમાં સ્થાન ધરાવતી P&Gએ પોતાના પ્લાન્ટ માટે ગુજરાતમાં સાણંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કંપનીએ ગુજરાત સરકારે જણાવ્યું છે કે તેઓ આ પ્લાન્ટમાં કંપનીની હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટનું ઉત્પાદન કરશે. કંપની તેના મહત્વપૂર્ણ બિઝનેસને ઇન્ડોનેશિયાથી શિફ્ટ કરીને ગુજરાતમાં શરું કરવાની યોજના ધરાવે છે અને આ માટે આગામી 3 વર્ષમાં રાજ્યમાં તબક્કાવાર રોકાણ કરશે. આ ઉપરાંત પીએન્ડજીએ રાજ્ય સરકારના મુખ્યપ્રધાન રાહત કોષમાં પણ રૂ.5 કરોડનું દાન આપ્યું છે. જેના દ્વારા કોરોના કંટ્રોલ અને વાવાઝોડા રાહત કાર્ય માટે ખર્ચ કરવામાં આવશે.
મુખ્યપ્રધાન ઓફિસના એડિશનલ ચીફ સેક્રેટરી અને ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગના ઇન્ચાર્જ એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું કે, કંપનીએ સાણંદમાં પોતાના પ્લાન્ટ માટે જગ્યા નિશ્ચિત કરી લીધી છે. કંપનીએ અમને જણાવ્યું કે તે પોતાની જુદી જુદી પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટે ગુજરાતના ઇન્ટરનેશનલ હબ બનાવવા માગે છે અને ઇન્ડોનેશિયાથી પોતાના તમામ મહત્વપૂર્ણ કામકાજને ગુજરાત ખસેડવા માગે છે.