(Photo by Christopher Furlong/Getty Images)

લૉરી ડ્રાઈવરો અને કેટલાક અન્ય કી વર્કર્સની ભારે તંગીના કારણે સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાતા દેશભરમાં કેટલાક દિવસોથી પેટ્રોલ સ્ટેશનો પર પેટ્રોલ-ડીઝલ મેળવવા મોટી કતારો લાગી રહી છે. તેને કારણે એક કાર માટે એક કલાક કરતાં વધુ સમય માટે લાઇનમાં ઉભા રહેવું પડે છે. ઇંધણની ડિલિવરીના અભાવે કેટલાક ગેરેજ બંધ થયા બાદ લોકોએ ગભરાઈને પેટ્રોલ  – ડીઝલનો બીનજરૂરી સ્ટોક કરવાનું શરૂ કરતા હાલત વધારે બગડી છે. બીજી તરફ સરકારે ન જોઇતું પેટ્રોલ નહિં ખરીદવા વિનંતી કરી છે.

સરકારે બ્રેક્ઝિટ પછી ઇમિગ્રેશન નિયમોને કડક બનાવી ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદેશી કામદારો પરની બ્રિટનની નિર્ભરતા સમાપ્ત થવી જોઈએ. પણ તેને કારણે હાલમાં આશરે 100,000 હેવી ગુડ્ઝ વ્હીકલ (એચજીવી) ડ્રાઇવરોની અછત સાલી રહી છે. આ કારણે જરૂરી પુરવઠો ઓછો મળશે તેવી વિવિધ સેક્ટરની ચેતવણીઓ હોવા છતાં સરકાર મહિનાઓ સુધી મક્કમ રહી હતી. પરંતુ હવે વડા પ્રધાન બોરિસ જૉન્સને નછૂટકે ક્રિટિકલ વર્કર વિઝા સ્કીમને વિસ્તૃત કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું છે કે વહેલી તકે કાર્યવાહી કરી સરકારે જાહેર કરેલા પગલાંનું વિશાળ પેકેજ ક્રિસમસ પૂર્વેની તૈયારીઓને “ટ્રેક પર” લાવવા સુનિશ્ચિત કરશે. ઉદ્યોગોએ પણ કામ કરવાની પરિસ્થિતિઓમાં સુધારો લાવી નવા ડ્રાઇવરો જાળવી રાખવા માટે લાયક પગાર વધારો કરી આપી પોતાની ભૂમિકા ભજવવી જોઈએ.”

બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ રૂબી મેકગ્રેગોર-સ્મિથે જણાવ્યું હતું કે, ‘’આ જાહેરાત બોનફાયર પર લોટો પાણી ફેંકવા સમાન છે. નવા વિઝા અપૂરતા અને સમસ્યાના સ્કેલને પહોંચી વળવા માટે પૂરતા નથી.”

સરકારના નવા પગલાં નવા ઘરેલુ ડ્રાઈવરોની સંખ્યાને ઝડપથી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને મિનિસ્ટ્રી ઓફ ડીફેન્સ ડ્રાઈવિંગ એક્ઝામિનર્સને તહેનાત કરવા માટે આગામી 12 અઠવાડિયામાં હજારો વધારાના ટેસ્ટ આપવા માટે મદદ કરશે.

દરમિયાન એજ્યુકેશન મિનિસ્ટ્ર અને ભાગીદાર એજન્સીઓ 4,000 લોકોને HGV ડ્રાઈવર બનવા માટે તાલીમ આપવા માટે લાખો પાઉન્ડ ખર્ચ કરશે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નવા કહેવાતા “સ્કીલ બુટકેમ્પ” બનાવશે. હાલમાં એચજીવી લાયસન્સ ધરાવતા તમામ ડ્રાઈવરોને લગભગ 1 મિલિયન પત્રો પણ મોકલવામાં આવશે, જે વર્તમાનમાં ડ્રાઈવિંગ ન કરતા હોય તેમને કામ પર પાછા આવવાનું કહેશે.

વડા પ્રધાન જોન્સન કોવિડ રોગચાળો અને બ્રેક્ઝિટ બાદ ગેસ-ઇલેક્ટ્રકના ભાવોમાં વધારો થયા બાદ આ કટોકટીને કારણે દબાણ વધી રહ્યું છે. સરકાર અત્યાર સુધી પેટ્રોલ પહોંચાડવામાં મદદ માટે સૈનિકો તૈનાત કરવાનું નક્કી કર્યુ નથી.

લૉરી ડ્રાઇવર્સની અછતને કારણે તાજેતરના અઠવાડિયા અને મહિનાઓમાં બ્રિટીશ ફેક્ટરીઓ, રેસ્ટોરન્ટ્સ અને સુપરમાર્કેટ્સને અસર થઈ છે. મેકડોનાલ્ડ્સે ગયા મહિને મિલ્કશેક્સ અને બોટલ્ડ ડ્રિંક્સ વેચવાનું બંધ કર્યું હતું. તો ફાસ્ટ-ફૂડ જાયન્ટ કેએફસૉએ તેના મેનૂમાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાંખી હતી. જ્યારે રેસ્ટોરન્ટ ચેઇન નાંદોઝે ચિકનના અભાવને કારણે ડઝનેક આઉટલેટ્સને અસ્થાયી રૂપે બંધ કરી દીધા હતા.

ફ્રોઝન-ફૂડ ગ્રુપ આઇસલેન્ડ અને રિટેલ કિંગ ટેસ્કો દ્વારા ક્રિસમસ પ્રોડક્ટની અછતની ચેતવણી આપી હતી.

બ્રિટન 10,500 કામચલાઉ વર્ક વિઝા આપશે

પોસ્ટ બ્રેક્ઝિટ ઇમિગ્રેશન પોલિસી પર યુ-ટર્ન જાહેર કરીને સરકારે જાહેરાત કરી છે કે, લૉરી ડ્રાઇવર અને પોલ્ટ્રી કામદારોને 10,500 કામચલાઉ વર્ક વિઝા આપશે. આ ટૂંકા ગાળાના વિઝા, આગામી મહિનાથી ડિસેમ્બરના અંત સુધી ચાલશે.