લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) ના પ્રોફેસર અને બ્રિટિશ નાગરિકના પતિએ ભારતના સિટિઝનશિપ એક્ટ, 1955ની કેટલીક જોગવાઈઓને પડકારતી એક અરજી ભારતીય સુપ્રીમ કોર્ટમાં કરી છે અને કોર્ટે ભારત સરકારને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા નોટીસ આપી છે.
પ્રોફેસર તરૂણાભ ખૈતાને ભારતના સિટિઝનશિપ એક્ટ 1955ની એ જોગવાઈઓને પડકારી છે કે કોઈપણ ભારતીય નાગરિક બીજા કોઈ દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરે તે સાથે જ તેનું ભારતીય નાગરિકત્વ આપોઆપ રદ થઈ જાય છે.
પ્રોફેસર ખૈતાને એક્ટની કલમ 4(1) અને 4(1) એ તરફ પણ નિર્દેશ કર્યો છે કે એ નિયમો અનુસાર તેમના ભાવિ સંતાનોએ પણ ભારતીય અને બ્રિટિશ નાગરિકત્વ, બેમાંથી એકની પસંદગી કરવાની રહે. પ્રોફેસર 2013થી બ્રિટિશ નાગરિકત્વ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતા હોવા છતાં તેમણે હજી સુધી તેના માટે અરજી કરી નથી, કારણ કે એમ કરવાથી તેમનું ભારતીય નાગરિકત્વ આપોઆપ રદ થઈ જાય. પ્રોફેસર જો કે, એ સંજોગોમાં ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયાના દરજ્જા માટે પાત્ર બની જાય છે, પણ તેમના મતે ઓસીઆઈના લાભો અને ભારતીય નાગરિકત્વના લાભોની તુલના કરાય તો ઓસીઆઈના લાભો ઘણા ઓછા છે.