ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણો કાયદાને મોકૂફ રાખવાની માલધારી સમાજના પ્રતિનિધિઓને ખાતરી આપી છે. સરકારે તાજેતરમાં શહેરી વિસ્તારમાં રખડતા ઢોર પર અંકુશ મૂકવા માટે વિધાનસભામાં ઢોર નિયંત્રણો કાયદો પસાર કર્યો હતો, પરંતુ તેનો પશુપાલકો કે માલધારી સમાજે જોરદાર વિરોધ કર્યો હતો.
ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે પણ માલધારી આગેવાનો સાથે સોમવારે બેઠક કરી તેમને ખાતરી આપી હતી કે તેઓ સરકારને કાયદા પર ફેરવિચારણા કરવા માટે વિનંતી કરશે.
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ સરકારે વિધાનસભામાં બિલ પસાર કરીને ઢોર નિયંત્રણો કાયદો બનાવ્યો હતો. આ કાયદામાં શહેરી વિસ્તારોમાં ઢોર રાખનારાઓને માટે લાઈસન્સ લેવું તેમજ પ્રાણીઓને ટેગ કરાવવું ફરજિયાત બનાવાયું હતું. જે વ્યક્તિ આ કાયદાનો ભંગ કરે તેને જેલની સજા કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી હતી. જોકે, તેની સામે માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ કાયદાનો માલધારી સમાજે રાજ્યભરમાં આ કાયદાનો જોરદાર વિરોધ પણ કર્યો હતો, અને રેલીઓ પણ કાઢી હતી.