ભારતની સૌથી નવી એરલાઇન અકાસા એરના કેટલાંક પ્રવાસીઓની અંગત માહિતી લીક થઇ ગઇ છે, એમ એરલાઇન્સે રવિવારે જણાવ્યું હતું. એરલાઇન્સે માહિતી લીક થવા બદલ માફી માગી હતી અને તે અંગેની જાણ નોડલ એજન્સી અને ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસપોન્સ ટીમ (સીઇઆરટી-ઇન)ને કરી હતી. પર્સનલ માહિતીમાં નામ, જાતિ, ઇ-મેઇલ એડ્રેસ અને ફોન નંબર જેવી બાબતોનો સમાવેશ થાય છે.
કંપનીએ જણાવ્યું હતું કે ૨૫ ઓગસ્ટના રોજ લોગ ઇન અને સાઇન અપ સર્વિસમાં થોડાક સમય માટે ટેકનિકલ ખાર્મી સર્જાઇ હતી. એરલાઇન્સે જણાવ્યું છે કે અકાસા એરના કેટલાક રજિસ્ટર્ડ યુઝરોના નામ, જાતિ, ઇ-મેઇલ એડ્રેસ અને ફોન નંબર જેવી માહિતી લીક થઇ હતી. જો કે કંપનીએ ખાતરીપૂર્વક જણાવ્યું છે કે આ માહિતી અન્ય કોઇ ટ્રાવેલ આધારિત માહિતી, ટ્રાવેલ દસ્તાવેજો કે પેમેન્ટ માહિતી લીક થઇ નથી.આ એરલાઇન્સની પ્રથમ ફલાઇટ સાત ઓગસ્ટના રોજ મુંબઇથી અમદાવાદ વચ્ચે શરૂ થઇ હતી.