ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે મે મહિનામાં ગરમીનો સ્થગિત થયેલો રાઉન્ડ ગયા સપ્તાહે ફરી ચાલુ થયો હતો. અમદાવાદમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સતત ત્રણ દિવસ 44 ડિગ્રી સેલ્શિયસ કરતાં વધુ તાપમાન નોંધાતાં લોકો આકરા તાપમાં શેકાયાં હતાં. રવિવારે રાજ્યમાં મહત્તમ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગરની સાથે અમદાવાદ 43.3 ડિગ્રી સાથે સતત ત્રીજા દિવસે સૌથી ગરમ શહેર રહ્યું હતું. શનિવારે પાટણમાં ગરમીનો પારો 45.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં હીટ વેવને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો હતો. સામાન્ય રીતે 42 ડિગ્રીની ઉપર તાપમાન જાય એટલે યલો એલર્ટ કહેવાય અને 44ને ક્રોસ કરે એટલે ઓરેન્જ એલર્ટ કહેવાય.
મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ ઊંચુ રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી સોમવારથી રહેવાસીઓને રાહત મળશે. આ પ્રદેશમાં આગામી 4-5 દિવસો દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4C નો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે.
રવિવારે પાંચ વેધર સ્ટેશનમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીથી ઊંચે રહ્યું હતું. અમદાવાદ અને ભાવનગરમાં 43.5 ડિગ્રી તથા ગાંધીનગરમાં 42.9 ડિગ્રી અને ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાળઝાળ ગરમીને કારણે ગરમી સંબંધિત ઇમર્જન્સીમાં પણ વધારો થયો હતો. ગરમીને કારણે હિટસ્ટ્રોક એટલે કે લૂના કેસ વધ્યાં હતા. કાળઝાળ ગરમીના કારણે અમદાવાદના બપોરના સમયે સૂમસાન થઈ ગયા હતા. લોકોએ કામ વિના બહાર જવાનું ટાળ્યું હતું. બપોરના સમયે ચામડી દઝાડી દે તેવી ગરમીનો અનુભવ થયો હતો.