લદ્દાખની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્થાનિક લોકોને ટાંકીને મોટો દાવો કર્યો હતો કે ચીને લદ્દાખમાં ચારાની જમીન હડપ કરી લીધી છે અને તેનાથી લોકોને મોટાપાયે અસર થઈ છે. ચીને એક ઇંચ જમીન પણ હડપ કરી નથી તેવો વડાપ્રધાન મોદીનો દાવો સાચો નથી. બીજી તરફ રાહુલ ગાંધીની આકરી ટીકા કરતા ભાજપે જણાવ્યું હતું કે તેઓ બેઇજિંગની દુષ્પ્રચાર મશીનરી જેવા નિવેદનો કરીને ભારતને બદનામ કરી રહ્યાં છે. કોંગ્રેસ નેતાના દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવીને બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનને કારણે ચીને ગલવાનમાં પીછેહઠ કરવી પડી હતી. રાહુલ ગાંધી, તમે ગલવાનમાં આપણા જવાનોની બહાદુરી અને બલિદાન પર સવાલો ઉઠાવી રહ્યા છો
કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે લદ્દાખના તમામ લોકો કહે છે કે ચીની સેનાએ ઘૂસણખોરી કરીને અમારી ગોચર જમીન પર કબજો કરી લીધો છે અને તેઓ (લોકો) હવે ત્યાં જઈ શકતા નથી. અહીંના લોકો આવું સ્પષ્ટપણ કહી રહ્યાં છે, પરંતુ વડાપ્રધાન કહે છે કે ચીને ભારતની એક ઇંચ જમીન પણ હડપ કરી નથી. વડાપ્રધાનનું નિવેદન સત્ય આધારિત નથી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ તેમની ભારત જોડો યાત્રા દરમિયાન લદ્દાખની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હતાં પરંતુ કેટલાક લોજિસ્ટિકલ કારણોસર આ યોજના પડતી મુકવી પડી હતી. હવે મને લાગ્યું કે હું ત્યાં જવું અને લદ્દાખની વિગતવાર માહિતી લઉ. હું પેંગોંગ આવ્યો છું તથા નુબ્રા અને કારગીલ જવાનો છું. લોકોનું શું કહેવું છે અને તેમની ચિંતા શું છે તે સાંભળવાનો વિચાર છે. અહીં, ચિંતા પશુઓને ચરવાની જમીનની છે જે ચીન દ્વારા કબજે કરવામાં આવી છે. ચારાની જમીનો કબજે કરવામાં આવી હોવાથી લોકોને મોટાપાયે અસર થઈ છે. લોકોની બીજી ચિંતા સેલ્યુલર કનેક્ટિવિટીનો અભાવ છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ પ્રદેશમાં કોઈને પણ પૂછો, તેઓ તમને કહેશે કે ચારાની જમીન ચીની સેનાએ હડપ કરી લીધી છે. કોંગ્રેસ સતત ચીન સાથેની સરહદની સ્થિતિને લઈને સરકાર પર સવાલ ઉઠાવી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી તંગદિલી છે. પેંગોંગ તળાવ વિસ્તારમાં 5 મે, 2020 ભારત અને ચીની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
રાહુલ ગાંધી તેમના કેટલાંક સાથીદારો સાથે મોટરસાઇકલ પર સવાર થઈને લેહથી પેંગોંગ ગયા હતા. પેંગોંગ સરોવરના કિનારે સવારે તેમણે પિતાની જન્મજયંતિની ઉજવણી કરી હતી. રાહુલ ગાંધી તેમના પક્ષના કેટલાક સાથીદારો સાથે નુબ્રા ખીણ માટે રવાના થયા હતાં. રાહુલ ગાંધી ગુરુવારે લેહ પહોંચ્યા હતા અને સોમવાર અથવા મંગળવારે કારગીલની મુલાકાત લેવાના છે.