ANI

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે અમેઠીના લોકો ઇચ્છે છે કે તેઓ તેમનું પ્રતિનિધિત્વ કરે અને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.

રોબર્ટ વાડ્રાએ ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વૃંદાવનની મુલાકાત લીધી હતી અને ભગવાન બાંકે બિહારીના દર્શન કર્યા હતાં. તેમણે ઠાકુરજીની ‘શ્રૃંગાર આરતી’ના દર્શન કર્યા હતાં અને કહ્યું કે અયોધ્યા હોય કે મથુરા, તે દરેક જગ્યાને સમાન રીતે જુએ છે.

નહેરુ-ગાંધી પરિવારની પરંપરાગત અમેઠી અથવા રાયબરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસે હજુ સુધી તેના ઉમેદવારો જાહેર કર્યા નથી. પ્રિયંકા ગાંધીના ભાઈ રાહુલ ગાંધી અમેઠીથી ફરી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી છે. રાહુલ ગાંધી 2019ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતાં. ભાજપે આ બેઠક પર ફરી સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતાર્યા છે.

પત્રકારો સાથે વાતચીત કરતા રોબર્ટ વાડ્રાએ સંકેત આપ્યો કે તેઓ પણ રાજકારણમાં જોડાશે. દેશમાં પરિવર્તનનું વાતાવરણ છે. તેમનો આખો પરિવાર આ માટે ખંતપૂર્વક કામ કરી રહ્યો છે. અમે દેશમાં બિનસાંપ્રદાયિક સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ રાખીશું.

અમેઠીથી ઉમેદવારી અંગેના પ્રશ્ન પર વાડ્રાએ કહ્યું હતું કે દેશના ખૂણે ખૂણે ચર્ચા ચાલી રહી છે. આ જનતાનો નિર્ણય છે. તેઓ તેમની મહેનતને સમજે છે.  લોકો ઈચ્છે છે કે હું તેમનું પ્રતિનિધિત્વ કરું, તેમના વિસ્તારમાં જઈને તેમની સમસ્યાઓ સાંભળું જેથી તેઓ પ્રગતિ કરી શકે. મને પણ રાજકારણમાં જોડાવામાં રસ છે, પરંતુ નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે. અત્યારે કોઈ ઉતાવળ નથી.

LEAVE A REPLY