એરપોર્ટ પર 55 મુસાફરોને રઝળતા મૂકીને ફ્લાઇટ ઉપાડી મુકનાર ભારતની બજેટ એરલાઇન ગો ફર્સ્ટ એરલાઈન્સને નિયમનકારી સંસ્થા ડીજીસીએએ રૂ.10 લાખનો દંડ ફટકાર્યો હતો.આ ઘટના બેંગલુરુથી દિલ્હીની ફ્લાઈટના મુસાફરો સાથે બની હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ડીજીસીએએ ગો ફર્સ્ટને નોટિસ પણ મોકલીને એરલાઈન્સને સમગ્ર મામલા પર રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.
ડીજીસીએ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમના તરફથી સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. આ પહેલા ઘટનાના દિવસે જ અનેક યાત્રીઓએ ટ્વીટર પર આ મામલાની ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે ફ્લાઈટ છૂટી ગયા બાદ યાત્રીઓએ સોશિયલ મીડિયામાં આકરો રોષ પ્રગટ કરાયો હતો. યાત્રીઓની ફરિયાદ અનુસાર બેંગલુરુથી દિલ્હી જતી ફ્લાઇટ જી8 116 સવારે 6-30 કલાકે ઉડાણ ભરી હતી, આ ફ્લાઇટે 55થી વધુ યાત્રીઓને એરપોર્ટ પર છોડી દીધા હતા.
ગો ફર્સ્ટ એરવેઝે ત્રણ ટ્વીટ્સનો જવાબ આપતા, યાત્રીઓને પોતાની ટ્રાવેલ ડિટેઇલ્સ આપવા વિનંતી કરી અને અફસોસ પ્રગટ કર્યો હતો. ઘટના બાદ ગો ફર્સ્ટ એરલાઈન્સે 55થી વધુ યાત્રીઓ માટે સવારે 10 કલાકે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી.