ચીનની તમામ ધમકીઓની ઐસીતૈસી કરીને અમેરિકાના પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારની રાત્રે તાઇવાનની મુલાકાતે આવી પહોંચતા વિશ્વના આ બંને સૌથી શક્તિશાળી દેશો વચ્ચે યુદ્ધ જેવી તંગદિલી ઊભી થઈ હતી. બીજી તરફ પેલોસી તાઇવાનમાં આવતાની સાથે ચીને ટાર્ગેટેડ મિલિટરી કાર્યવાહીની ધમકી આપી હતી અને તાઇવાનના આકાશમાં તેના યુદ્ધ વિમાનો ઉડાડ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે ચીન તાઇવાનને પોતાનો અભિન્ન વિસ્તાર ગણે છે અને અગાઉથી અમેરિકાને ગંભીર ચેતવણીની ધમકી આપતું હતું. અમેરિકાના નેટવર્કના ટીવી ફૂટેજ મુજબ પેલોસી વિમાનમાં મંગળવાર રાત્રે તાઇપેઇના એરપોર્ટ પર પહોંચ્યા હતા. પેલોસીની મુલાકાતને પગલે ચીન, તાઇવાન અને અમેરિકાની મિલિટરીને સંપૂર્ણ એલર્ટ પર મૂકવામાં આવી હતી.
પેલોસીની આગમનના થોડા સમયમાં ચીનના વિદેશ મંત્રાલયે આક્રમક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેમની મુલાકાત વન ચાઇના સિદ્ધાંત અને અમેરિકા-ચીન વચ્ચેની ત્રણ સમજૂતીનું ગંભીર ઉલ્લંઘન છે. આનાથી ચીન-યુએસ સંબંધોના રાજકીય પાયા પર ગંભીર અસર થઈ છે અને તે ચીનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ગંભીર ઉલ્લંઘન છે. તે ચીનના અલતાવાદી દળોને ગંભીર ખોટો સંકેત છે. તાઇવાન ચીનનો અભિન્ન હિસ્સો છે.
ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે તાઇવાન ટાપુ પર પેલોસી મુલાકાતનો સામનો કરવા માટે ચીન મિલિટરી ટાર્ગેટેડ મિલિટરી ઓપરેન્શન હાથ ધરશે તથા રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું રક્ષણ કરશે. મંગળવારની રાત્રીથી તાઇવાનની ચોતરફ સંયુક્ત લશ્કરી કવાયત કરશે તથા અમેરિકાની ઉશ્કેરણી અને તાઇવાનની સ્વતંત્રતા માટે લડતાં લોકોને કડક ધમકી આપશે. છેલ્લાં 25 વર્ષોમાં અમેરિકાના ટોચના અધિકારીની આ પ્રથમ તાઇવાન મુલાકાત છે. સામાન્ય રીતે બીજા દેશોના નેતાઓને તાઇવાનની મુલાકાતને પરવાનગી આપતું નથી.
અમેરિકાની સંસદ સરકારથી સ્વતંત્ર હોવાના અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેનના દાવાને ફગાવી દેતા ચીને જણાવ્યું હતું કે અમેરિકાની સરકારના એક હિસ્સા તરીકે તેની સંસદ અમેરિકાની વન-ચાઇના પોલિસીનું પાલન કરવા બંધાયેલી છે. તે ચીનના તાઇવાન પ્રદેશ સાથે કોઇ સત્તાવાર મંત્રણા કરી શકે નહીં. ચીને જણાવ્યું હતું કે સ્પીકર અમેરિકાની સંસદના નેતા છે તેથી તેમની તાઇવાન મુલાકાત અને પ્રવૃત્તિઓ કોઇપણ સ્વરૂપમાં મોટું રાજકીય ઉશ્કેરણી છે, જેનાથી તાઇવાન સાથે અમેરિકાના સત્તાવાર વ્યવહાર ચાલુ થઈ શકે છે. ચીન આને કોઇપણ રીતે સ્વીકારી શકે નહી અને ચીનના લોકો તેનો જોરદાર વિરોધ કરે છે.
તાઇપેઇમાં આવ્યા બાદ પેલોસીએ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રતિનિધિમંડળની મુલાકાત તાઇવાનની વાઇબ્રન્ટ લોકશાહીને સમર્થન આપવાની અમેરિકાની દ્રઢ પ્રતિબદ્ધતાનું પાલન છે. અમારી મુલાકાત કોઇપણ રીતે અમેરિકાની લાંબા ગાળાની નીતિની વિરુદ્ધમાં નથી.
અમેરિકાના એરફોર્સના વિમાનમાં પેલોસી અને તેમના પ્રતિનિધિમંડળનું ઉતરાણ થયા બાદ તેમનું તાઇવાનના વિદેશ પ્રધાન જોસેફ વુએ તાઇપેઇ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. પેલોસી મલેશિયાથી તાઇવાન આવ્યા હતા. તેઓ તાઇવાનના પ્રેસિડન્ટ ત્સી-ઇંગ વેન સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. તાઇવાનના પ્રેસિડન્ટને ચીન અલગતાવાદી નેતા માને છે