સુપ્રીમ કોર્ટે ભારતમાં દિગ્ગજ નેતા, સેલિબ્રિટી સહિતના કેટલાંક નાગરિકોની જાસૂસી કરવા ઇઝરાયલના સ્પાઇવેર પેગાસસના કથિત ઉપયોગની તપાસ કરવા માટે સાઇબર નિષ્ણાતોની ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ આદેશ આપતા સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દાને આધારે દર વખતે કેન્દ્ર સરકારને છૂટો દોર આપી શકાય નહીં અને તે એવો કોઇ બગબીયર (ભય) નથી કે જેનાથી ન્યાયતંત્ર દૂર ભાગે.
નાગરિકોના ગુપ્તતાના હકોના મુદ્દે તાજેતરના સમયગાળાના એક મહત્ત્વના ચુકાદામાં ચીફ જસ્ટિસ એન વી રમન્નાના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા હોવાનો માત્ર દેખાડો થાય ત્યારે ન્યાયતંત્ર મૂકપ્રેક્ષક બની શકે નહીં. લોકતાંત્રિક દેશમાં વ્યક્તિઓની બેફામ જાસૂસીને મંજૂરી આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિની તપાસ પર સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ આર વી રવીન્દ્રન દેખરેખ રાખશે.
ઇઝરાયેલની કંપની એનએસઓના પેસાસસ સ્પાઇવેરનો ઉપયોગ કરીને રાજકીય નેતાઓ, પત્રકારો અને એક્ટિવિસ્ટ્સની વ્યાપક અને ટાર્ગેટેડ જાસૂસની તપાસ કરવા માટે થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ સમિતિની રચના કરી હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અરજકર્તાઓએ કેટલાંક તથ્થો રજૂ કર્યા છે, જે પ્રથમદર્શીય રીતે કોર્ટ માટે વિચારણા કરવા લાયક છે તથા કેન્દ્ર સરકારે કોઇ તથ્થોનો કોઇ ચોક્કસ ઇનકાર પણ કર્યો નથી. કેન્દ્ર સરકારે દાખલ કરેલી મર્યાદિત એફિડેટિવમાં માત્ર સંદિગ્ધ અને સાર્વત્રિક ઇનકાર થયો છે, જે પૂરતો નથી. આ સ્થિતિમાં અણારી પાસે અરજદારોએ રજૂ કરેલા પ્રથમદર્શીય કેસને સ્વીકાર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.
સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે લોકતાંત્રિક સભ્ય સમાજના સભ્યોને ગુપ્તતાની એક વાજબી અપેક્ષા હોય છે. ગુપ્તતા માત્ર પત્રકારો કે સામાજિક કાર્યકર્તાની ચિંતાનો વિષય નથી. દેશના દરેક નાગરિકોનું ગુપ્તતાના ભંગ સામે રક્ષણ થવું જોઇએ.
46 પેજના આદેશમાં ચીફ જસ્ટિસે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને સ્વીકાર્યો હતો અને આવી મુદ્દામાં ન્યાયિક તપાસના મર્યાદિત અવકાશનો પણ સ્વીકાર કર્યો હતો, પરંતુ આનો અર્થ એવો નથી કે રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું કાઢવામાં આવે ત્યારે દર વખતે સરકારની છૂટો હાથ મળી જાય.
આ મુદ્દાની તપાસ કરવા માટે પોતે નિષ્ણાતોની સમિતિની રચના કરે તેવી કેન્દ્ર સરકારની રજૂઆતનો ધરાર ઇન્કાર કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આવી હિલચાલથી પક્ષપાત સામેના ન્યાયતંત્રના સ્થાપિત સિદ્ધાંતોનો ભંગ થાય છે, કારણ કે ન્યાય માત્ર તોડવાનો હોતો નથી, પરંતુ ન્યાય મળ્યો છે તેવું દેખાવું પણ જોઇએ. કોર્ટે નોંધ્યું હતું કે કેન્દ્ર કે રાજ્ય સરકારો નાગરિકોને હકોથી વંચિત રાખવાના મુદ્દે એક પક્ષકાર છે.
જસ્ટિસ સર્યકાંત અને હિમા કોહલીની બનેલી આ ખંડપીઠે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા એવો બગબિયર (ભય) નથી કે જે માત્ર ઉલ્લેખ થવાથી ન્યાયતંત્ર દૂર ભાગે. રાષ્ટીય સુરક્ષાના ક્ષેત્રમાં અતિક્રમણમાં કોર્ટ ખૂબ કાળજી રાખવી જોઇએ, પરંતુ ન્યાયિક સમીક્ષાને રોકી શકે તેવો કોઇ સાર્વત્રિક પ્રતિબંધ નથી.
સરકારે કોર્ટમાં અરજી કરવી જ પડશે અને એ હકીકતોને સાબિત કરવી પડશે કે મેળવવામાં આવેલી માહિતી ગુપ્ત રહેશે, કારણ કે તેની જાહેરાતથી રાષ્ટ્રીય સુરક્ષાને અસર થાય છે. કોર્ટમાં કરેલી રજૂઆતને તેમણે વાજબી ઠેરવવી પડશે. માત્ર રાષ્ટ્રીય સુરક્ષાના બહાને કારણે કોર્ટ મૂકપ્રેક્ષક બની શકે નહીં.
કોર્ટે જણાવ્યું હતું કે બંધારણ હેઠળના કાયદા હેઠળ સ્થાપિત પ્રોસિજરનું પાલન કરીને પૂરતા કાનૂની સુરક્ષા ઉપાયો સાથે દેખરેખ રાખી શકાય છે. પરંતુ લોકશાહી દેશમાં લોકોની નિરંકુશ જાસૂસીને પરવાનગી આપી શકાય નહીં.
પ્રેસ અને વાણીની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરતાં કોર્ટે જણાવ્યું હતું કે મીડિયા લોકશાહીનો મહત્ત્વનો સ્થંભ છે તથા પત્રકારોના સ્રોતના રક્ષણના મહત્ત્વના સંદર્ભમાં હાલનો મુદ્દે ન્યાયતંત્રની ભૂમિકાનું વધુ મહત્ત્વ છે. જાસૂસીની ટેકનિકથી મીડિયાની સ્વતંત્રતા પર મોટી અસર થઈ શકે છે.