પેગાસસ જાસૂસી મુદ્દે નવો ધડાકો કરતાં ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે ઇઝરાયલ સાથેના બે અબજ ડોલરના સંરક્ષણ સોદાના ભાગરૂપે પેગાસસ સ્પાયવેરની ખરીદી કરી હતી. આ અહેવાલને પગલે દેશમાં મોટો વિવાદ ઊભો થયો હતો. વિરોક્ષ પક્ષોએ સરકાર પર હુમલો કરતાં આક્ષેપ કર્યો હતો કે સરકારે ગેરકાયદેસર જાસૂસી કરી હતી, જે રાજદ્રોહ સમાન છે.
વિરોધ પક્ષોએ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે તેઓ સોમવારથી શરૂ થતાં સંસદના બજેટ સત્રમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવશે. બીજી તરફ કેન્દ્રીય પ્રધાન વી કે સિંહે ન્યૂ યોર્ક ટાઇમ્સને “સુપારી મીડિયા” ગણાવ્યું હતું.
સરકારના સૂત્રે જણાવ્યું હતું કે પેગાસસ સોફ્ટવેર સંબંધિત મુદ્દાની સુપ્રીમ કોર્ટ હેઠળની એક સમિતિ તપાસ કરી રહી છે અને તેના રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
NYTના રીપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતા રાજ્યકક્ષાના કેન્દ્રીય રોડ, હાઇવે અને નાગરિક ઉડ્ડયન પ્રધાન સિંહે ટ્વીટર પર જણાવ્યું હતું કે તમે NYT પર વિશ્વાસ રાખશો? તે સુપારી મીડિયા તરીકે જાણીતું છું.
આ મુદ્દે કોંગ્રેસે મોદી સરકાર પર ચોતરફ હુમલા કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે સરકાર સંસદ સાથે છેતરપિંડી કરી રહી છે, સુપ્રીમ કોર્ટનો વિશ્વાસઘાત કરી રહી છે અને લોકશાહીનું અપહરણ કરી છે તથા રાજદ્વોહ કરી રહી છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટર જણાવ્યું હતું કે મોદી સરકારે આપણી લોકતાંત્રિક સંસ્થાઓ, રાજકીય નેતાઓ અને જનતાની જાસૂસી કરવા પેગાસસની ખરીદી કરી હતી. આ ફોન ટેપિંગમાં સરકારી અધિકારીઓ, વિપક્ષના નેતાઓ, લશ્કરી દળો, ન્યાયતંત્ર એમ તમામને ટાર્ગેટ બનાવામાં આવ્યા હતા. આ એક પ્રકારના રાજદ્વોહ છે.
કોંગ્રેસે જણાવ્યું હતું કે તે બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવશે તથા સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની જવાબદારી નક્કી કરવાની માગણી કરશે. મુખ્ય વિપક્ષે આ મુદ્દે પોતાની રીતે નોંધ લેવા સુપ્રીમ કોર્ટને પણ અનુરોધ કરતા જણાવ્યું હતું કે સરકાર સામે તેની સાથે જાણીજોઇને છેતરપિંડી કરવા બદલ કાર્યવાહી કરવી જોઇએ.
સીપીઆઇ (એમ)ના મહામંત્રી સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે મોદી સરકારે એફિડેવિટ કરીને સમજાવવું જોઇએ કે સરકારે આ સાઇબર શસ્ત્રની ખરીદી શા માટે કરી હતી, તેના ઉપયોગની પરવાનગી કોણે આપી હતી, જાસૂસી માટેના ટાર્ગેટની પસંદગી કેવી રીતે કરવામાં આવી હતી અને જાસૂસીના રીપોર્ટ કોને મળતા હતા. આ મહત્ત્વના મુદ્દે સરકારી ચુપકીદીનો અર્થ એવો થાય છે કે સરકારે તેની ગુનાહિત પ્રવૃત્તિનો એકરાર કર્યો છે.
સીપીઆઇ મહામંત્રી ડી રાજાએ આક્ષેપ કર્યો હતો કે સરકારે આ મુદ્દે સંસદમાં સત્ય છુપાવ્યું હતું અને હવે સરકારે જવાબ આપવો જોઇએ. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચર્તુર્વેદીએ આક્ષેપ કર્યો હતો કે આ સ્પાઇસવેરનો ઉપયોગ સુરક્ષાના હેતુઓ માટે નહીં, પરંતુ વિપક્ષ અને પત્રકારોની જાસૂસી માટે થયો હતો.
ન્યૂ યોર્ક ટાઇમ્સે તેના ‘બેટલ ફોર ધ વર્લ્ડ મોસ્ટ પાવરફૂલ સાઇબરવીપન’ નામના રીપોર્ટમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલની કંપની એનએસઓ ગ્રૂપ વિશ્વભરની કાયદા અમલીકરણ અને જાસૂસી એજન્સીઓને સબસ્ક્રિબ્શનના આધારે તેના સર્વેલન્સ સોફ્ટવેરનું દાયકાઓથી વેચાણ કરી રહી છે. આ રીપોર્ટમાં જુલાઈ 2017માં મોદીની ઇઝરાયલની મુલાકાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.