ઈઝરાયેલી માલવેર પેગાસસ દ્વારા ભારતના નરેન્દ્ર મોદી કેબિનેટના પ્રધાનો, વિરોધ પક્ષના નેતાઓ, જજ, પત્રકારો, વૈજ્ઞાાનિકો, બિઝનેસમેન સહિત ૩૦૦ લોકોના ફોન હેક કરાયા હોવાનો મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ચૂંટણી વ્યુહકાર પ્રશાંત કિશોર અને કેન્દ્રીય આઇટી પ્રધાન અશ્વિની વૈશ્વણ સંભવિત ટાર્ગેટ હતા.
આ સનસનીખેજ અહેવાલથી સોમવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું હતું કે આશરે ૪૦ પત્રકારો અને કેટલાક મીડિયા હાઉસીસના ફોન હેક કરવામાં આવ્યા હતા.
પેગાસસ દ્વારા ૪૦ પત્રકારો, ૩ વિરોધપક્ષના નેતાઓ, એક બંધારણીય પદ ઉપર રહેનાર વ્યક્તિ, સુરક્ષા સંસ્થાઓના વર્તમાન અને પૂર્વ અધિકારીઓ, કેટલાક જજ અને જ્યુડિશિયલ સિસ્ટમના અધિકારીઓ તથા કેટલાક બિઝનેસમેનના ફોન હેક કરવામાં આવ્યો હોવાનું દાવો કરાયો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સ, ઈન્ડિયા ટૂડેના શિશિર ગુપ્તા, નેટવર્ક ૧૮, ધ હિન્દુ અને ઈન્ડિયન એક્સપ્રેસ જેવા મીડિયા હાઉસના પત્રકારો અને અધિકારીઓના ફોન હેક થયા હોવાની આશંકા છે. બીજી તરફ ભારત સરકારે ફોન ટેપિંગ અને હેકિંગના દાવાને ફગાવી દીધો હતા. સરકારે જણાવ્યું હતું કે અમે નાગરિકોના રાઇટ ટુ પ્રાઇવસીના બંધારણીય અધિકારોની જાળવણી માટે પ્રતિબદ્ધ છીએ.
પેગાસસ ઈઝરાયેલની ફર્મ એનએસઓ દ્વારા વિકસાવવામાં આવેલું એક સ્પાયવેર છે. તેને સાઇબર વેપન તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૦૧૬માં એક આરબ એક્ટિવિસ્ટને શંકાસ્પદ મેસેજ મળ્યા બાદ પેગાસસ પ્રકાશમાં આવ્યું હતું. તે વખતે સામે આવ્યું હતું કે, આઈફોન હેક કરવા માટે આ સોફ્ટવેર બનાવાયું છે.