Pearls of Uganda Awards

આ વર્ષે યુગાન્ડામાંથી એશિયન સમુદાયના લોકોની હકાલપટ્ટીની 50મી વર્ષગાંઠની ઉજવણી થઇ રહી છે ત્યારે એશિયન બિઝનેસ એવોર્ડ્સ સમારોહમાં એશિયન સમુદાયના મુખ્ય અગ્રણીઓ પરમ પૂજ્ય રામબાપા, ફાર્મસી બિઝનેસમેન ડૉ. નિક કોટેચા, ટ્રેડ એન્વોય લોર્ડ ડૉલર પોપટ, પીકફોર્ડ્સ રિમૂવલ્સના યોગેશ મહેતા, ડૉ. ચાઈ પટેલ CBE અને એમ્બેસેડર ડૉ. મુમતાઝ કાસમને એશિયન મિડીયા ગૃપના શ્રી કલ્પેશ સોલંકી અને તેમના ભાઈ શૈલેષ સોલંકી, એક્ઝિક્યુટિવ એડિટર દ્વારા ધ પર્લ્સ ઓફ યુગાન્ડા પુરસ્કારો એનાયત કરાયા હતા.

એશિયન મીડિયા ગ્રુપ આવતા વર્ષની શરૂઆતમાં 50 મહાન યુગાન્ડન એશિયનોની રૂપરેખાવાળી યાદી પ્રકાશિત કરનાર છે .

અત્રે ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટ 1972 ના રોજ યુગાન્ડાના ક્રૂર સરમુખત્યાર ઇ દી અમીને એશિયન સમુદાયના લોકોને હાંકી કાઢવાનો આદેશ આપી તેમને દેશ છોડવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો. જેને પગલે આગામી મહિનાઓમાં આશરે 30,000 એશિયનોએ યુકેમાં શરણ મેળવ્યું હતું. તેમાંથી મોટા ભાગના લોકોએ શરણાર્થી શિબિરોમાં અશ્રય મેળવ્યો હતો અને તે શરણાર્થીઓએ કારમી ઠંડીમાં આકરી મહેનત કરી, રોજના 17-18 કલાક કોર્નર શોપ્સ અને પોસ્ટ ઓફિસો ચલાવી, પોતાના બાળકોને સર્વ શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું હતું. જેઓ આજે યુકેમાં ટોચના સ્થાનો પર બિરાજેલા છે.

ડૉ. નિક કોટેચા OBE – DL

ધ પર્લ્સ ઓફ યુગાન્ડાનો પહેલો પુરસ્કાર મેળવનાર ડૉ. નિક કોટેચા OBE – DLએ પોતાના ઘરના નાના ગેરેજમાંથી  મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. 30 વર્ષની જેહમત અને પરિવારની મદદથી તેમણે મલ્ટિ-મિલિયન પાઉન્ડ એન્ટરપ્રાઇઝનો વિકાસ કર્યો હતો. તેમણે લોકોના જીવન બચાવવા અને સામાજિક રીતે વંચિતોને મદદ કરવા ધ રેન્ડલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

ડૉ. નિક કોટેચાની ફર્મ મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સ વિકાસશીલ દેશોને પશ્ચિમી દવાઓ વધુ સરળતાથી મેળવવામાં મદદ કરે છે. તેઓ વિવિધ સરકારી અને બિઝનેસ ટાસ્ક ફોર્સમાં પણ સેવા આપતા આદરણીય બિઝનેસ લીડર છે.

લોર્ડ ડોલર પોપટ

ધ પર્લ્સ ઓફ યુગાન્ડાનો બીજો પુરસ્કાર યુગાન્ડા, રવાન્ડા અને કોંગો માટે વડાપ્રધાનના વિશેષ ટ્રેડ એન્વોય અને હાઉસ ઓફ લોર્ડ્સના અગ્રણી એશિયન પીઅર લોર્ડ ડોલર પોપટને બિઝનેસ અને રાજકારણમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ આપવામાં આવ્યો હતો.

ભણતી વખતે વિમ્પી રેસ્ટોરન્ટમાં 25 પેન્સ પ્રતિ કલાક કામ કરનાર લોર્ડ પોપટે છેલ્લા પાંચ દાયકાઓમાં હોટેલ અને કેર હોમનો એક ખૂબ જ સફળ બિઝનેસ બનાવ્યો હતો. તેમણે TLC ગ્રૂપની સ્થાપના કરી અગ્રણી કેર હોમ પ્રોવાઈડર તરીકેની ઓળખ બનાવી છે. તેમણે છેલ્લા દાયકાનો મોટાભાગનો સમય બ્રિટન અને આફ્રિકન ખંડો વચ્ચેના વેપારને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત કર્યો છે. 1980ના દાયકાથી રાજકારણમાં તેમના અગ્રણી કાર્યોથી અવરોધોને તોડવામાં મદદ મળી હતી. જેના પરિણામો આજે આપણે આપણા પ્રથમ બ્રિટિશ એશિયન વડા પ્રધાનને જોઈ રહ્યા છીએ.

પીકફોર્ડ્સ રિમૂવલ્સના યોગેશ મહેતા

ધ પર્લ્સ ઓફ યુગાન્ડાનો ત્રીજો એવોર્ડ બિઝનેસ અને સખાવત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પીકફોર્ડ્સ રિમૂવલ્સના યોગેશ મહેતાને અપાયો હતો. 1950માં યુગાન્ડામાં જન્મેલા યોગેશભાઇએ કિશોર વયે યુકે આવી એક અમેરિકન લોજિસ્ટિક્સ ફર્મમાં નોકરી ચાલુ કરી તે જ કંપનીને જ આગળ જતા ખરીદી લીધી હતી. 2008માં દેશની સૌથી જૂની રિમૂવલ ફર્મ્સમાંથી એકને ખરીદી યોગેશ મહેતા અને તેમના ભાઈઓ હિતેશ અને દિલેશે વ્યાપક લોજિસ્ટિક્સ, ફ્રેગરન્સીસ અને કોસ્મેટિક્સનું સામ્રાજ્ય બનાવ્યું છે અને સફળ પિકફોર્ડ્સ રિમૂવલ્સ અને શનીલ એન્ટરપ્રાઈઝ બિઝનેસ ચલાવે છે.

શાનીલ એન્ટરપ્રાઈઝ દેશની અગ્રણી પરફ્યુમ બ્રાન્ડ્સની માલિકી ધરાવે છે અને તેઓ એકસાથે 5,000 લોકોને રોજગારી આપે છે અને 14 દેશોમાં કામ કરે છે. મહેતા ભાઇઓ ઘણી સખાવતી પ્રવૃત્તિઓમાં મદદ  કરે છે.

ડૉ. ચાઈ પટેલ CBE

ધ પર્લ્સ ઓફ યુગાન્ડાનો ચોથો પુરસ્કાર બિઝનેસ અને સખાવત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ડૉ. ચાઈ પટેલ CBEને અપાયો હતો.

સીરીયલ એન્ટ્રપ્રેન્યોર અને અજોડ સખાવતી ડૉ.ચાઈ પટેલે 2011 માં ડૂબી રહેલ સધર્ન ક્રોસ કેર હોમ્સને બચાવીને કંપનીને ફેરવી નાખી હતી. એક વખત સેલિબ્રિટી ક્લાયન્ટ લિસ્ટ માટે જાણીતા પ્રાયોરી ટ્રીટમેન્ટ સેન્ટરની માલિકી ધરાવતા ડૉ. ચાઇએ પછીથી તેનું વેચાણ કર્યું હતું.

છેલ્લા એક દાયકાથી તેઓ પોતાનું ધ્યાન તેમની બ્રાઈટ ફ્યુચર ટ્રસ્ટ ચેરિટી પર કેન્દ્રિત કરી રહ્યા છે જે બાળકોને તેમની ક્ષમતા અને મહત્વાકાંક્ષાઓને સમજવામાં મદદ કરે છે. ડૉ. ચાઈના ફાઉન્ડેશને છેલ્લા વર્ષોમાં £5 મિલિયનથી વધુનું દાન આપ્યું છે.

ડૉ. ચાઇએ ડીમેન્શીયા અને માનસિક સ્વાસ્થ્યની પડકારોને જોઇને કેરહોમ બિઝનેસીસની એક ખૂબ જ સફળ સીરીઝ સ્થાપી હતી.

એમ્બેસેડર ડૉ. મુમતાઝ કાસમ

ધ પર્લ્સ ઓફ યુગાન્ડાનો પાંચમો પુરસ્કાર મુત્સદ્દીગીરી અને એશિયન સમુદાયમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે યુગાન્ડાના એમ્બેસેડર ડૉ. મુમતાઝ કાસમને અપાયો હતો.

બાળ શરણાર્થી તરીકે બ્રિટન આવેલા ડૉ. મુમતાઝે યુગાન્ડા અને બ્રિટન બંને માટે કામ કર્યું હતું અને જ્ઞાનનો એક પ્રચંડ આધાર બનાવ્યો હતો. 1980ના દાયકામાં યુગાન્ડામાં પાછા આમંત્રિત થયા પછી એશિયન સમુદાયની જમીનો પર ફરીથી દાવો કરવા યુગાન્ડાની સરકાર સાથે વાટાઘાટો કરનારા મુખ્ય નેતાઓ પૈકીના એક ડૉ. મુમતાઝે યુગાન્ડાની સરકાર માટે રાજદૂત અને વિદેશ મંત્રાલયમાં વરિષ્ઠ રાજદ્વારી તરીકે સેવા આપી છે. તેમણે યુગાન્ડાની સરકાર અને એશિયન સમુદાયની અથાક સેવા કરી છે.

તેમણે ઇટાલીમાં યુગાન્ડાના રાજદૂત તરીકે સેવા આપી છે અને યુએન, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને અન્ય ઘણી સંસ્થાઓ જેવા બહુરાષ્ટ્રીય ફોરમમાં ભાગ લીધો છે.

પૂજ્ય રામ બાપા

ધ પર્લ્સ ઓફ યુગાન્ડાનો અંતિમ પુરસ્કાર ખરેખર અસાધારણ વ્યક્તિ એવા પૂજ્ય રામ બાપાને આધ્યાત્મિકતા અને એશિયન સમુદાયમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અપાયો હતો. 102 વર્ષના પૂજ્ય રામ બાપા ઉપસ્થિત રહી ન શકતા તેમના જમાઇ શ્રી અનુપ રાડીયાને અપાયો હતો.

પૂજ્ય રામ બાપાએ  50 વર્ષથી તેમનું જીવન આધ્યાત્મિકતા, સુખાકારી અને પરોપકારી કાર્ય માટે સમર્પિત કરી સમગ્ર યુકે અને વિશ્વમાં ઘણા મંદિરોની સ્થાપના માટે પ્રતિમાઓ અર્પણ કરી હતી.

પૂ. રામબાપા યુકેની જનતાને પૂજ્ય મોરારી બાપુ સહિતના આધ્યાત્મિક નેતાઓનો પરિચય કરાવનાર પ્રથમ હતા. ગરવી ગુજરાતના એક તંત્રીલેખમાં તેમને થેમ્સના સંતનું બિરૂદ અપાયું હતું. 102 વર્ષની ઉંમરે પણ પૂજ્ય રામ બાપા એક અનુકરણીય અને અથાક બળ છે. બાળપણમાં યુગાન્ડા ગયેલા પૂ. રામબાપાને 17 વર્ષની ઉંમરે ગુરુને મળતા ઊંડી આધ્યાત્મિક જાગૃતિ આવી હતી.

LEAVE A REPLY