આપણે જો આપણી આંતરિક શક્તિથી પરિચય નહિ કેળવીએ તો ક્યારેય શાંતિ નહિ મળે, ક્યારેય સુરક્ષિત હોવાનો અનુભવ નહિ થાય, ક્યારેય ઈર્ષાની આગ ઠંડી નહિ જ થાય. આ એક અનુભૂત સત્ય છે જે તમે પણ અનુભવ્યું હશે. આવો એક દ્રષ્ટાંતથી તેને વધુ સ્પષ્ટ કરીએ. આપ સહુએ મહાભારતની કહાની તો સાંભળી જ હશે. એકક્ષણ માટે વિચાર કરો કે, આ દીર્યોધન પાસે શુ નથી.હસ્તિનીપૂરનું રાજ્ય છે. પિતામહ – દ્રોણગુરૂ જેના યોદ્ધા છે, કર્ણ જેવો મિત્ર છે, છતા એ અશાંત કેમ છે ? કેમ પાંડવોથી અસુરક્ષા અનુભવે છે ? કેમ સૈન્ય તાકાતથી પણ સુરક્ષા નથી અનુભવતો ? અને યુધિષ્ઠિર પાસે તેની અપેક્ષાએ બધુ જ ઓછુ હોવા છતા કેમ શાંતિ સુરક્ષા સંતોષ અનુભવે છે ? આ વિચાર કરો. ઊંડો વિચાર કરો. આ લેખ વાંચવાનું બંધ કરીને પરિવારના સભ્યો, સ્નેહી મિત્રો સાથે ચર્ચા કરો. અને પછિ ફરિ વિચાર કરો. અને જે જવાબ મળે તેની નોંધ કરો.
હુ ખાતરી પૂર્વક કહુ છું કે , જવાબથી આપ અંતરથી હલબલી જશો. એનો જવાબ એક આવશે કે, દૂર્યોધન પાસે બધુ જ હતું પણ આત્મશક્તિ – આંતરિક શક્તિ અને ઇશભક્તિજન્ય વિશ્વાસ ન હતો અને આ બધુ જ યુધિષ્ઠિર પાસે હતું . પરિણામે તે અભાવમાં પણ જે માણી શક્યા તે દુર્યોધન પ્રાપ્તિમાં પણ ન માણી શક્યો. શાંતિથી જીવ્યો નહિ અને કોઈને જીવવવા પણ ન દીધા. આ શુ બતાવે છે? એક જ વાત છે આત્મશક્તિનો પરિચય કેળવવો, ઇશનિષ્ટા કેળવવી.
યુધિષ્ઠિર વનમાં પણ ચેનથી સૂઈ જાય છે અને દુર્યોધન મહેલમાં પણ પડખા ફરી ફરીને રાત ગુજારે છે. ટુંકમા કહુ તો જો આપણા વિચારો ટુકા છે તો મહેલ કે સામ્રાજ્ય પણ સુખ શાંતિ નથી આપી શકતા અને જો આપણા વિચારો ઊંચા છે તો વનમાં પણ વસંતને અનુભવ કરી શકાય છે. આ વાત કંઈ દૂર્યોધનને સમજાવવા નથી લખી રહ્યો. આપણી સમજ માટે લખી રહ્યો છું. ફરિ એકવાર લેખ વાંચવાનું બંધ કરીને વિચાર કરો કે, આપણા જીવવાનાં પ્રાપ્તિનો આનંદ છે કે, અભાવની આગ ભડકેબળે છે.? આપણી પ્રગતિ છેલ્લા ત્રણ ચાર જનરેશનની તુલનાએ અનંતઘણી થઈ છે છતા અમનચેન, શાંતિમાં પ્રગતિ અનુભવીએ છીએ?
આ કંઈ વાતોના વડા નથી, જીવનની હકિકત છે.
વિચારોની તાકાત છે. સદ્વિચારની ફલશ્રુતિ છે. તમે માનો કે ન માનો. પણ આ હકિકત છે છે અને છે. જો આપણા વિચારોનું કોઈ મહત્વ ન હોય તો ઝુંપડીમાં રહેનાર દાંપત્ય જીંદગી જીવી જાય છે અને બીલ ગેટ્સ જેવા વૈશ્વિક ધનકુબેર છુટા છેડા લે છે. આની પાછળ વ્યક્તિગત વિચારસરણીથી વધુ બળવાન બીજું શુ હોય શકે ? કંઈ જ નહિ. માત્ર અને માત્ર વિચાર. માટે આપણે આપણા વિચારોની સમૃદ્ધિ કેળવવાની છે. આ સમૃદ્ધિથી જે દિવસે કંઈ જ ન હતું એ દિવસે ભારત વિશ્વગુરૂ હતું આજે ઘણું બધુ છે છતા ઘણું બધુ ખુંટે છે. આવો આપણે આપણા સંતોએ આપેલ વિચાર વારસાનો અનુભવ કરવા માટે પ્રયાસ કરીએ. અને પ્રયાસ પહેલી આપણા જીવન પ્રત્યેનો આપણો અભિગમ તપાસીએ. જો આપણો અભિગમ જ અયોગ્ય હશે, નકારાત્મક હશે ; તો આ વાતો આપને ઓર્થોડોક્સ જેવી લાગશે. ચાર્લ્સ ડાર્વિનવાદ સાચો લાગશે. આ વાત વિજ્ઞાનનો વિરોધ નથી, સુવિધાઓનો નિષેધ નથી પણ સુખ શાંતિ અને આનંદની શોધ માટેની જરૂરીયાત છે, એવું હુ માનુ છું.
ભગવાનશ્રી સ્વામિનારાયણના જીવનનો ઊંડાણથી અભ્યાસ કરતા આ જ તથ્ય જાણવા મળે છે કે, એમણે કોઈ ચમત્કારિક શક્તિના સહારે સમાજઘડતર નથી કર્યુ, એમણે વિચારોની ઊંચાઈ બક્ષી છે. ઊંચા વિચારોને આચરણમાં – અનુભાવમાં ઉતારવાની તાકાત બક્ષી છે. આપણે અનામત કે જાતિવિશેષને વિષેશ દરજ્જો આપીને પ્રગતિ કરવા ઈચ્છીએ છીએ જ્યારે ઈતિહાસ વિચારોની ઊંચાઈથી પ્રગતિની સાક્ષી પુરે છે.
પરંતુ જો આપણે આ વર્તમાન સમયની સ્થિતિને જ પ્રગતિ માનતા હોઈએ તો પ્રેમ – સમર્પણ – શાંતિની ખેવના ભુલી જજો અને વધુને વધુ ડીવોર્ય – સ્યુસાઈડ જેવી અનિચ્છનીય ઘટનાઓ માટે તૈયાર રહેવું પડશે.
કારણ કે, એ ઘટનાઓ જે વિચારસરણીમાંથી જન્મે છે તેના તરફ નજર કરવા આપણે તૈયાર નથી. અને આ તૈયારી નહિ કરીએ તોપણ એ સ્થિતિ દિનપ્રતિદિન વધતી જાય છે એ તો આપ પણ સ્વીકારતા જ હશો ! બરાબરને !
- ડો સંત સ્વામી, વડતાલધામ