વેસ્ટ મિડલેન્ડ્સમાં બે ધરપકડ દરમિયાન બળના ઉપયોગ માટે ગ્રોસ મિસકન્ડક્ટ બદલ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ નારને બરતરફ કરવામાં આવ્યા છે.
પીસી સુનિલ નારને કોવેન્ટ્રીમાં એપ્રિલ 2017માં ધરપકડ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને મુક્કો મારી તેના પર હુમલો કરવાનો આરોપ મૂકાયો હતો. પરંતુ કોર્ટ દ્વારા જવાબ આપવા માટે કોઈ કેસ ન હોવાનું જાણવા મળ્યું હતું. ઑગસ્ટ 2017માં, અન્ય પોલીસ અધિકારીઓએ કોવેન્ટ્રીના હિલફિલ્ડ્સ વિસ્તારમાં બનેલી એક ઘટના અંગે પીસી નાર દ્વારા બળનો ઉપયોગ કરવા અંગે તેમની ચિંતાઓ જણાવી હતી. તે સમયે પોલીસે કરેલી એક અટકાયતમાં પીસી નારે લાકડી વડે માર મારતાં એક વ્યક્તિને માથામાં ઇજા થઇ હતી. કોવેન્ટ્રી બેઝ્ડ રિસ્પોન્સ ઓફિસર પી.સી. નાર પર ઘાયલ કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા, પરંતુ જ્યુરી દ્વારા તેને મુક્ત કરાયો હતો.
અદાલતના પરિણામો છતાં, પીસી નારની ઇન્ડીપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ (IOPC)એ તપાસ કરતાં માન્યું હતું કે પીસી નારના વર્તનમાં ગેરવર્તણૂંક જોવા મળી છે અને આક્ષેપોને સાંભળવા માટે ગ્રોસ મિસકન્ડક્ટ હીયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં તા. 23ને ગુરૂવારે બંને ઘટનાઓમાં ગેરરીતિ સાબિત થતા તેને નોટિસ આપ્યા વિના બરતરફ કરાયો હતો.