આજથી 50 વર્ષ પહેલા યુ.કે.માં સૌ પ્રથમ એશિયન અને શીખ મહિલા પોલીસ અધિકારી તરીકે મેટ્રોપોલિટન પોલીસમાં જોડાયેલા પીસી કરપાલ કૌર સંધુને તા. 1 ફેબ્રુઆરી, સોમવારના રોજ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પી.સી. કરપાલ કૌર સંધુ કદાચ વિશ્વના સૌ પ્રથમ મહિલા એશિયન પોલીસ અધિકારી હતા જેમણે 1971થી 1973 દરમિયાન સેવા આપી હતી.
પોલીસ વિભાગમાં કરપાલના અનોખા યોગદાનની સરાહના કરવા મેટ પોલીસે તેમના જીવન અને વારસાને યાદ કરવા એક વર્ચુઅલ ઇવેન્ટનું આયોજન કરનાર છે. જેનો આસિસ્ટન્ટ કમિશનર હેલન બોલ શુભારંભ કરશે અને યુકેના પ્રથમ પાઘડીધારી શીખ સાંસદ તન્મનજીત સિંઘ ઢેસી, શીખ એસેમ્બલીના સીઇઓ પરમજીત કૌર મથારુ અને મેટ પોલીસના તમામ શીખ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
કરપાલ કૌર સંધુના પુત્રી રોમી સંધુએ ગૌરવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે “એશિયન અને શીખ પૃષ્ઠભૂમિની યુકેની પ્રથમ મહિલા પોલીસ અધિકારી તરીકેનો વારસો ધરાવવા બદલ મને મારી માતા પર ગર્વ છે. તે અદ્ભુત છે કે તેણીને 50 વર્ષ પછી પણ યાદ કરવામાં આવે છે, અને તે નવી મહિલા પોલીસ અધિકારીઓની પેઢી કે જે મેટમાં જોડાય છે તેને માટે પ્રેરણારીપ છે.”
આસિસ્ટન્ટ કમિશનર હેલન બોલે જણાવ્યું હતું કે: “પી.સી. કરપાલ કૌર સંધુ એક સાચા અગ્રેસર હતા અને તેમના સમય કરતાં આગળ તેમણે પોલીસ દળ જોઇન કરવાનો તેમનો નિર્ણય બહાદુર હતો. તેમને ઘણાં પડકારોનો સામનો કરવો પડ્યો હોત. તેમણે બીજા ઘણા લોકો માટે પોલીસમાં જોડાવાનો માર્ગ મોકળો કર્યો હતો. આજે પચાસ વર્ષ પછી, મને આનંદ છે કે અમે તેનું જીવન, તેમની કારકીર્દિ અને તેમણે જે પોલીસ કામગીરી છોડી દીધી હતી તે વારસો યાદ રાખવામાં સક્ષમ બન્યા છીએ.”
મેટ્રોપોલિટન પોલીસ શીખ એસોસિએશનના અધ્યક્ષ રાવજીત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આજે, મેટ પોલીસ શીખ એસોસિએશનના પ્રતિનિધિઓ, મેટ પોલીસના અધિકારીઓ અને વિશાળ શીખ સમુદાયના લોકો યુ.કે.ની પ્રથમ એશિયન મહિલા પીસી તરીકેના કરપાલ કૌરના પોલીસિંગમાં આપેલા વિશેષ યોગદાનને યાદ કરીએ છીએ. કરપાલ મેટ પોલીસ માટે અમૂલ્ય રાજદૂત હતા જેમણે લંડનના સમુદાયો સાથેના અવરોધોને તોડવામાં મદદ કરી હતી અને તેમના સમયના ટ્રેઇલબ્લેઝર તરીકે હંમેશાં યાદ રહેશે.”
કરપલનો જન્મ 1943માં ઇસ્ટ આફ્રિકાના ઝાંઝીબારમાં એક શીખ પરિવારમાં થયો હતો અને તેઓ 1962માં યુકે આવ્યા હતા, જ્યાં તેમને ચેઝ ફાર્મ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી મળી હતી. તેઓ 27 વર્ષની ઉંમરે 1-2-1971માં મેટ પોલીસમાં જોડાયા હતા અને લેયટન જતાં પહેલા તેમણે હોર્નસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી.
તે સમયે એક અહેવાલમાં તેમના ચિફ સુપ્રિટેન્ડેન્ટે લખ્યું હતું કે “તે ઇમિગ્રન્ટ વસ્તી સાથેના અમારા વ્યવહાર માટે અમૂલ્ય સાબિત થઈ રહી છે અને તે આ કામમાં અને પોલીસ વિભાગના અધિકારીઓને એશિયન બોલીઓ શીખવવામાં પણ મદદ કરી રહી છે. તે ઉર્જાથી ભરપૂર, બુદ્ધિશાળી અને નિષ્ઠાવાન છે અને તેને હોકી રમવામાં અને ડ્રાઇવિંગ કરવામાં આનંદ મળતો હતો.‘’
અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે કૌટુંબિક કરાણસર 1 વર્ષ 253 દિવસ સેવા આપ્યા બાદ રાજીનામું આપ્યું હતું. પરંતુ ઑક્ટોબર 1973માં તેઓ ફરીથી મેટ પોલીસમાં જોડાયા હતા. નવેમ્બર 1973માં, કરપાલ કૌરની તેમના પતિએ પોલીસ દળમાં જોડાવા બદલ હત્યા કરતાં મેટ પોલીસે એક આશાસ્પદ અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતી અધિકારી ગુમાવી હતી. કરપાલને બે બાળકો હતા. ભેદભાવ, સેક્સીઝમ, જાતિવાદ તે સમયે ખાસ કરીને BAME સમુદાયમાં ટોચ પર હતા ત્યારે તેઓ પોલીસમાં જોડાતાં ઘણાં લોકો નારાજ થયા હતા.