ભૂતપૂર્વ સાઉથ વેલ્સ પોલીસ અધિકારી અબુબકર માસુમ (ઉ.વ. 24)ને સ્વૉન્ઝી યુનિવર્સિટીમાં એક મહિલા વિદ્યાર્થી વિશે ખોટા અહેવાલો બનાવવા બદલ કાર્ડિફ ક્રાઉન કોર્ટ દ્વારા શુક્રવાર તા. 13ના રોજ ત્રણ વર્ષ અને છ મહિનાની જેલ કરવામાં આવી હતી.
તેણે એવા અહેવાલો આપ્યા હતા કે તે વિદ્યાર્થી ડ્રગ ડીલિંગમાં સંડોવાયેલ હતી અને તેની મિલકતમાં હથિયારો હતા. ખોટા દાવાઓના પરિણામે સશસ્ત્ર પોલીસ અધિકારીઓ બંદૂક શોધવા માટે તેના ઘરે ગયા હતા. તેના પર અન્ય ખોટો દાવો કરાયો હતો કે તે દેવા બાબતે એક માણસને ગોળી મારવાના કાવતરામાં સામેલ હતી.
પોલીસના એન્ટી કરપ્શન યુનિટના અધિકારીઓ દ્વારા માસુમની ધરપકડ કરી ન્યાયનો માર્ગ અવરોધવાના બે અલગ-અલગ આરોપ મૂકાયા હતા. માસુમને ત્રણેય આરોપોમાં દોષિત ઠેરવી માર્ચમાં કસ્ટડીમાં રિમાન્ડ પર લેવાયો હતો અને ચીફ કોન્સ્ટેબલ જેરેમી વોને તેને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરી દીધો હતો.