રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આદેશ પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક 15 માર્ચથી ડિપોઝિટ સ્વીકારવાનું અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ કરવાનું બંધ કર્યું હતું. RBIએ 31 જાન્યુઆરીના રોજ નિયમોના ઉલ્લંઘનને ટાંકીને Paytm પેમેન્ટ્સ બેંક પર નિયંત્રણો લાદ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ એવા રોકાણકારો માટે માર્ગદર્શિકા પણ જારી કરી હતી કે જેઓ સ્ટોક ટ્રેડિંગ માટે બેંકનો ઉપયોગ કરે છે.
આરબીઆઈએ બેંકમાં નિયમપાલનની સમસ્યાઓ અને ચિંતાઓને ટાંકીને Paytm પેમેન્ટ્સ બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે હતું કે બેંકમાં હજારો ખાતાઓ યોગ્ય ઓળખ વગર ખોલવામાં આવ્યા હતા, જેના કારણે મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંભવિત સંડોવણીની આશંકા હતી. આ માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને વડાપ્રધાન કાર્યાલય સહિત સત્તાવાળાઓ સાથે પણ શેર કરવામાં આવી હતી.
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ ઉલ્લેખ કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ કરશે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે એક જ ઓળખ પુરાવા સાથે ઘણા ખાતાઓ જોડાયેલા છે, જેમાં નોંધપાત્ર રકમની લેવડદેવડ થઈ હતી. નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા પણ અસામાન્ય રીતે વધુ હતી.
હવેથી સેલરી ક્રેડિટ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, અથવા સબસિડી Paytm પેમેન્ટ્સ બેંક ખાતામાં ઉપલબ્ધ રહેશે નહીં, પરંતુ ભાગીદાર બેંકો તરફથી રિફંડ, કેશબેક અને સ્વીપ-ઇન્સ હજુ પણ માન્ય રહેશે.