કોરોનાવાયરસની અસર ફર્લો થયેલ વર્કરના લોન અથવા ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પર પડી રહી છે અને કન્ઝ્યુમર ગૃપના જણાવ્યા મુજબ આશરે 6% લોકો નાણાંની ચુકવણી કરવામાં ચૂકી રહ્યા છે. યુકે સરકારે ફર્લો યોજનાને ક્રમશ: બંધ કરવાનું કે ઘટાડવાનું શરૂ કરતા સર્વે વિચ?ના જણાવ્યા મુજબ વર્કર્સ હવે આર્થિક તંગીનો અનુભવ કરી રહ્યા છે.
ધ કન્ઝ્યુમર ગૃપે શોધી કાઢ્યું હતું કે ફર્લો કરાયેલા 13% લોકોને રજા પર મૂકી દેવાય છે યા તો તેમના કામના કલાકો ઘટાડી દેવાય છે. આવા લોકો ઓછામાં ઓછુ એક વખત નાણાંની ચૂકવણીમાં ડિફોલ્ટ થયા છે.
3થી 5 મિલિયન કામદારો હજી પણ ફર્લો પર હોવાનું માનવામાં આવે છે. વિચ?ના જણાવ્યા મુજબ 6% કામદારો છેલ્લા ચાર અઠવાડિયામાં લોન અથવા ક્રેડિટ કાર્ડની ચુકવણી ચૂકી ગયા છે. જે લોકો મોર્ગેજ પર અથવા ભાડે રહે છે તેવા લોકોમાંથી 5% લોકો હાઉસિંગ પેમેન્ટ કરી શક્યા ન હતા. આનો અર્થ એ છે કે લગભગ 500,000 જેટલા કામદારો પેમેન્ટ ચૂકી ગયા છે. ફર્લો યોજના અને બેંકો અને અન્ય લોન આપતી કંપનીઓ દ્વારા અપાતી પેમેન્ટ હોલીડે ઓક્ટોબરમાં સમાપ્ત થવાની છે. તે વખતે શું થશે તે માટે સરકાર પાસે કે લોકો પાસે કોઇ યોજના નથી તે પણ હકિકત છે.