કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ'એ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાને અભિનંદન આપતા તેમના X એકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરી હતી. (ANI Photo)

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ભારતીય પ્રતિભાએ અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કરીને ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યા હતાં. પાયલ કાપડિયાની “ઓલ વી ઇમેજિન એઝ લાઇટ”ને બીજા ક્રમનો સર્વોચ્ચ ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ મળ્યો હતો, જ્યારે “ધ શેમલેસ”ની ભૂમિકા બદલ અનસૂયા સેનગુપ્તાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

FTIIના વિદ્યાર્થી ચિદાનંદ એસ નાઇકની “સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નો”ને પણ તેની કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.

77માં કાન્સની ફિલ્મ ફેસ્ટિવલનું શનિવારે સમાપન થયું હતું. આ વર્ષનો ફિલ્મ ફેસ્ટિવલ દેશ માટે બેશકપણે શ્રેષ્ઠ રહ્યો હતો. તેમાં આઠ ભારતીય અથવા ભારતીય થીમ આધારિત ફિલ્મોને સ્થાન મળ્યું હતું.

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી પાયલ કાપડિયા “ઓલ વી ઇમેજિન એઝ લાઇટ” માટે ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ નિર્માતા બનીને ઇતિહાસ રચ્યો હતો.

મુખ્ય સ્પર્ધામાં દર્શાવવામાં આવેલી “ઓલ વી ઇમેજિન એઝ લાઇટ” 30 વર્ષમાં પ્રથમ ભારતીય ફિલ્મ છે. આ ઉપરાંત ભારતીય મહિલા દિગ્દર્શકની મુખ્ય સ્પર્ધામાં પ્રદર્શિત કરવામાં આવેલી પ્રથમ ફિલ્મ છે. કાપડિયાએ જણાવ્યું હતું કે “અમારી ફિલ્મ અહીં લાવવા બદલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો આભાર. બીજી ભારતીય ફિલ્મ માટે 30 વર્ષ રાહ ન જુઓ.”

કાપડિયાની ફિલ્મને આ ફિલ્મ ફેસ્ટિવલનો બીજા ક્રમનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો હતો. કાની કુસરુતિ, દિવ્યા પ્રભા અને છાયા કદમ અભિનીત મલયાલમ-હિન્દી ફીચર “ઓલ વી ઈમેજીન એઝ લાઈટ”ની કહાની મુંબઈની ત્રણ મહિલાઓની આસપાસ ફરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કાપડિયાની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભારતને તેના પર “ગર્વ” છે.

આ ઉપરાંત અનસૂયા સેનગુપ્તાએ અન સર્ટન રિગાર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતનારી પ્રથમ ભારતીય બની હતી. “ધ શેમલેસ” શોષણ અને દુઃખની અંધકારમય દુનિયાની સફર કરાવે છે, જેમાં બે સેક્સ વર્કર્સ એક બોન્ડ બનાવે છે.

 

LEAVE A REPLY