અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો પાયલે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ન્યાય માગ્યો હતો.પાયલે જણાવ્યું હતું કે તેની સુરક્ષાને જોખમ રહેલું છે. જોકે અનુરાગ કશ્યપે રવિવારે જણાવ્યું હતું કે તેમની સામે કરવામાં આવેલા આ આરોપો પાયાવગરના છે.
પાયલ ઘોષે રિશી કપૂર અને પરેશ રાવલની પટેલ કી પંજાબી શાદી નામની ફિલ્મ મારફત હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રી પાયલ ઘોષે ટ્વીટ કરી લખ્યું છે કે અનુરાગ કશ્યપે ખૂબ જ ખરાબ રીતે મારા પર દબાણ કર્યું હતું.નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસ છે. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો. પાયલે દાવો કર્યો હતો કે કશ્યપે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પોતાના સંબંધોનો દાવો કર્યો હતો. બીજી મહિલા કલાકારો સાથે પણ ખરાબ વ્યવહાર થયો હતો. જોકે હિન્દીમાં સંખ્યાબંધ ટ્વીટર પોસ્ટ મારફત કશ્યપે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને આવા આરોપોને પોતાને શાંત કરી દેવાના પ્રયાસ ગણાવ્યા હતા.પાયલની ટ્વીટ બાદ અનેક લોકો તરફથી પ્રતિક્રિયા આવી હતી. અભિનેત્રી કંગના રનૌતે અનુરાગ કશ્યપની ધરપકડ કરવાની માગણી કરી હતી.