ગુજરાત ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું છેકે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ તેના નિશ્તિત સમયે જ ડિસેમ્બર મહિનામાં જ યોજાશે. પાટીલના આ નિવેદનથી ગુજરાતમાં વહેલી ચૂંટણીઓ યોજાશે તેવી અટકળોનો અત્યારે તો અંત આવ્યો છે. ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે એવી રાજકીય અટકળોએ થઇ રહી હતી કે, પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો ભાજપ તરફી આવશે તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર પહેલા યોજાશે. આ અંગે સી.આર.પાટીલે જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નિયત સમયે જ યોજાશે. ભાજપનો કાર્યકર વિધાનસભાની ચૂંટણીઓ માટે હંમેશા સજ્જ છે એટલે જ ભાજપ ચૂંટણીઓ જીતે છે. ચૂંટણીઓ સુધી ગુજરાતમાં વિકાસના કામો થશે. વિકાસ એજ ભાજપની પ્રાથમિકતા રહી છે. કેન્દ્ર અને રાજ્યના વિકાસના કામોથી ગુજરાતની લોકો પ્રભાવિત છે.