પ્રતિકાત્મક તસવીર (istockphoto)

શક્તિશાળી પાટીદાર સમાજ અમેરિકામાં છેલ્લા ત્રણ દસકામાં હોટેલ અને મોટેલ ઉદ્યોગનો પર્યાય બની ગયો છે. એક ઇન્ડિયન અમેરિકન લેખકે તેમના પુસ્તકમાં સમાજના અસાધારણ સંઘર્ષનું વર્ણન કર્યું છે. આ નાના પરંતુ અત્યંત પ્રભાવશાળી સમુદાયનો ઉદય અને તેનું વતન ગુજરાત છે.

“સુરત ટુ સાન ફ્રાન્સિસ્કો” નામના આ પુસ્તકના ઇન્ડિયન અમેરિકન લેખક મહેન્દ્ર કે. દોશીએ સમાચાર એક ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “પટેલોની શક્તિ ધ્યાનમાં લેવાય છે. તેઓ માત્ર પ્રભાવશાળી નથી, અમેરિકન હોસ્પિટાલિટી ક્ષેત્રે પ્રભુત્વ પણ ધરાવે છે. તેઓ અમેરિકન ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં વધુ મહત્ત્વની કડી બની રહ્યા છે. ફેડરલ સરકારના નિયમોને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમણે ઘણું સારું કામ કર્યું છે. હું એમ કહીશ કે તેમણે પોતાને સમૃદ્ધ બનાવ્યા છે.”

થોડા મહિનાઓ પહેલાં પ્રકાશિત થયેલું આ પુસ્તક અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં પટેલોની સફળતાની ગાથાનું પ્રથમ ડોક્યુમેન્ટેશન છે, જે પટેલો અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ઇન્ટરવ્યૂ પર આધારિત છે. સૌરાષ્ટ્રના વડિયામાં જન્મેલા અને કોલકાતામાં ઉછરેલા મહેન્દ્ર કે. દોશી ઈન્ડિયા એબ્રોડના ભૂતપૂર્વ પત્રકાર છે, જે એક વગદાર ઇન્ડિયન અમેરિકન પબ્લિકેશન છે. તેમના પુસ્તક પરથી હવે એક ફિલ્મ પણ બની રહી છે.

મહેન્દ્ર દોશીએ ફ્લોરિડાના ઓર્લેન્ડોમાં તાજેતરમાં આયોજિત- એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA)ના વાર્ષિક સંમેલન દરમિયાન જણાવ્યું હતું કે, “વર્તમાન પેઢીએ તેમના પૂર્વજોનો સંઘર્ષ જોયો નથી. તેથી મારું કામ અમેરિકન ઇમિગ્રન્ટ સક્સેસ સ્ટોરીનો આ ભાગ ઉજાગર કરવાનું હતું. તે ખરેખર અમેરિકન ઇમિગ્રન્ટ્સની સફળતાની એક ગાથા છે. તેઓ ટ્રિનિડાડ અથવા લંડનમાં હોત, તો તેમણે જે કર્યું છે તે ન કરી શક્યા હોત. તેમણે મોટાપાયે રોજગારી, વિશાળ સંપત્તિ, હાથમાં હજારો ડોલર સાથે એક ઉદ્યોગ ઊભો કર્યો છે. તેમણે પોતાને સમૃદ્ધ બનાવ્યા છે.”

1989માં સ્થપાયેલું AAHOA 36,000થી વધુ મિલકતોનું પ્રતિનિધિત્વ કરે છે, 1.1 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે, અમેરિકન જીડીપીમાં 1.5 ટકાથી વધુ યોગદાન આપે છે અને તેમનો સામૂહિક વાર્ષિક ખર્ચ 50 બિલિયન ડોલરથી વધુ છે. તેમની પાસે એક ટ્રિલિયન ડોલરની સંપત્તિ છે. કેલિફોર્નિયાના સાન જોસમાં રહેતા મહેન્દ્ર દોશીએ આ પુસ્તક લખવા માટે 165 પટેલોના ઇન્ટરવ્યૂ લીધા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “તેઓ ખૂબ જ સમૃદ્ધ છે, તેઓ શ્રીમંત છે, અને તેઓ પ્રભાવશાળી છે. કેટલાક પટેલ પરિવારો પાસે માત્ર એક કે બે નહીં પણ અનેક હોટેલો છે. તેમાંથી કેટલાક બુટિક હોટેલ ધરાવે છે. તેમાંના કેટલાક પાસે હયાત રીજન્સીની માલિકી પણ છે, જે શ્રેષ્ઠ હોટેલ્સમાં સ્થાન ધરાવે છે. તેથી, તેમણે ખરેખર સારું કામ કર્યું છે, તેમની પાસે કરોડો ડોલરની સંપત્તિ છે. અને એક નાની હોટેલનો માલિક પણ એન્જિનિયર કે ડોક્ટરની સરખામણીમાં ખૂબ જ સારી કમાણી કરે છે.”

લેખક દોશીના જણાવ્યા મુજબ, 1920ના દસકામાં પટેલોના અમેરિકામાં આગમન સાથે આ બધું શરૂ થયું. તે સમયે અમેરિકાએ એશિયનોને મંજૂરી ન આપી હોવાથી પ્રથમ તબક્કાના પટેલો ટ્રિનિડાડ, પનામા, હોન્ડુરાસ થઈને ગેરકાયદે અમેરિકામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ત્રણ પટેલ જેઓ પ્રથમ અહીં આવ્યા હતા, તેમાં નાનાલાલ પટેલ, કાનજી મંછુ દેસાઈ અને ડી લાલનો સમાવેશ થાય છે, તેઓ પનામા અને ટ્રિનિડાડ થઈને અહીં આવ્યા હતા અને તે ત્રણેય મૂળ સ્થાપક છે. તે બધા ગેરકાયદે અમેરિકા આવ્યા હતા.

તેઓ કોઈ વિઝા વગર આવ્યા હતા અને તેમણે કોઈક રીતે, કેલિફોર્નિયામાં ફ્રેસ્નો નજીક સાન જોઓક્વિન વેલીમાં પંજાબીઓના ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 1942માં, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જાપાનીઝને નજરકેદ કરાયા હતા, ત્યારે સેક્રેમેન્ટોમાં એક મહિલા, કે જેઓ તેમના રજાના સમય દરમિયાન ત્યાં રહેતા હતા તેમણે કાનજી મંછુ દેસાઈને 350 ડોલર ડાઉન પેમેન્ટ અને દર મહિન 75 ડોલર આપવાની કંઇક ઓફર કરી હતી. તેમણે સેક્રેમેન્ટોની કી સ્ટ્રીટ અને 6ઠ્ઠી સ્ટ્રીટમાં હોટેલ ફોર્ડ નામની પ્રથમ પટેલ હોટેલ શરૂ કરી હતી.”

તેમણે વધુમાં જણાવ્યા મુજબ, “તે 8 ફુટ બાય 10 ફુટના એક જ રૂમની હોટેલ હતી. બાથરૂમ નીચે હતું, અને ત્યાં ઘણી સર્વિસ ઉપલબ્ધ નહોતી અને એક દિવસનું ભાડું 50 સેન્ટ હતું. કાનજી મંછુને લાગ્યું કે પંજાબી ખેતરોમાં કામ કરતાં આ કામ વધુ સારું છે, કારણ કે ખેતરોમાં કલાકના 10 સેન્ટમાં દિવસ-રાત કામ કરવું પડતું.

હોટેલમાં તેણે મહિનાની 100 ડોલરની કમાણી કરી હોવાથી તે ખૂબ જ ખુશ હતા, તેમણે કહ્યું કે આ નોકરી વધુ સારી છે. તેથી, તેમની હોટેલની મુલાકાતે આવેલા દરેક પટેલે કહ્યું કે જો તમે પટેલ હો તો હોટેલ ભાડે આપો. તેથી, એક હોટેલમાંથી તે ત્રણ હોટલ બની અને પછી તે સાન ફ્રાન્સિસ્કો ગયા જ્યાં તેમને ગોલ્ડફિલ્ડ નામની તેમની પ્રથમ હોટેલ મળી અને તેની નજીકમાં ગેરકાયદે રહેતા તમામ પટેલોને તેમણે સહાય કરી. તેમણે તેમને હોટેલ મેળવવામાં મદદ કરી. તે દિવસોની જેમ, તમારી પાસે એક હજારથી 1,500 ડોલર ડાઉન હોય, તો તમે 150 રૂમની હોટેલ ભાડે લઈ શકો છો અને તમે 100થી 125 ડોલર વચ્ચે કમાણી કરી શકો છો. એ દિવસોમાં, 100 ડોલર અત્યારના 5,000 ડોલર જેવા હતા, કારણ કે એ દિવસોમાં તેમની પાસે મોટી ખરીદ શક્તિ હતી.”

લેખક દોશીએ નોંધ્યું હતું કે, હોટેલ તોડીને તેના સ્થાને સાન ફ્રાન્સિસ્કોમાં એક કન્વેન્શન સેન્ટર બનાવાયું છે. “પરંતુ પટેલની માલિકીની કેટલીક હોટેલો મિશન સ્ટ્રીટ અને 6ઠ્ઠી સ્ટ્રીટની વચ્ચે હજુ પણ અસ્તિત્વમાં છે. મેં વ્યક્તિગત રીતે તેમાંથી ઘણી હોટેલની મુલાકાત લીધી હતી.” તેમણે કહ્યું કે તેમાંથી કેટલીક હોટેલ હજુ પણ તેમના વંશજોની માલિકીની છે.

અંદાજે 80 વર્ષની ઉંમરના લેખક દોશી એક વિદ્યાર્થી તરીકે અમેરિકા આવ્યા હતા. તેમણે જુદી જુદી નોકરી કરીને માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પછી ઇન્ડિયા એબ્રોડ અને ટ્રાન્સ ઇન્ડિયામાં પત્રકાર તરીકે કામ કર્યું હતું. તે વખતના પત્રકારત્વમાં સારો પગાર મળતો નહોતો, તેથી તેમણે જનરલ મોટર્સના માર્કેટિંગ વિભાગમાં કામ કર્યું હતું.

LEAVE A REPLY