કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની યાદી તૈયાર કરવાનો અધિકાર આપતું મહત્ત્વનું સુધારા બિલ સંસદમાં રજૂ કરતાં હવે ગુજરાતમાં પાટીદાર અનામતનો માર્ગ મોકળો થયો છે. તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાનમંડળે આ બિલને મંજૂરી આપી હતી. ઓબીસી અનામત 127મું બંધારણીય સુધારા બિલ છે.
આ બિલને આર્ટિકલ ૩૪૨એ(૩) હેઠળ લાગુ કરવામાં આવશે. તેના લીધે રાજ્ય સરકારોને તે અધિકાર મળશે કે તે ઓબીસી સમાજની યાદી તૈયાર કરી શકે. સુધારા બિલ પસાર થવાના પગલે રાજ્યોએ હવે આ માટે કેન્દ્ર પર આધારિત રહેવું નહીં પડે. જો આ બિલને સંસદના બંને ગૃહની મંજૂરી મળી જશે તો મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ અને હરિયાણામાં જાટ સમાજ તથા ગુજરાતમાં પટેલ સમાજ અને કર્ણાટકમાં લિંગાયત સમાજને ઓબીસીમાં સામેલ થવાની તક મળી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ લાવવાનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે 5 મેએ મરાઠા અનામત અંગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર પાસે છે. અનામત જેવા સંવેદનશીલ મામલામાં કેન્દ્ર સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી જ કેન્દ્ર સરકાર આ સુધારો લાવીને રાજ્ય સરકારોને પણ ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપી રહી છે.
આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે ત્યાં ઓબીસી સમાજની ચૂંટણીલક્ષી રાજકારણ પર મોટી અસર પડી શકે છે. કેન્દ્રના આ નિર્ણયને ઓબીસી સમાજને તેના તરફ ખેંચવા માટેના નિર્ણય તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં જ મેડિકલ એજ્યુકેશનમાં રિઝર્વ સીટોમાં કેન્દ્રએ ઓબીસી સમાજ અને આર્થિક રીતે પછાત લોકો માટે સીટો અનામત કરી હતી.