ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રવિવારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સહિતના ત્રણ નેતાઓ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. ગારિયાધાર ખાતે આ ત્રણ નેતાઓ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનની હાજરીમાં AAPમાં જોડાયા હતા. આ નેતાઓમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને રાજુ સોલંકીનો સમાવેશ થાય છે.
કથીરિયા પાટીદાર અનામત આંદોલન પછી નેતા તરીકે પણ ઉભરી આવ્યા હતા. જૂનમાં ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલ હવે કથીરિયાના રાજકીય હરીફ બન્યા છે. આપમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, આજે પાટીદાર અનામત આંદોલનના સાત વર્ષના લાંબા સમય ગાળા પછી અમે અમારી ટીમ સાથે મળીને નિર્ણય કર્યો છે કે રાજનીતિમાં જઈને કંઈક કરીએ. કોળી પટેલ સમાજમાંથી આવતા રાજુ સોલંકીએ પણ હાથમાં ઝાડું પકડ્યુ હતું. કોળી પટેલ સમુદાયનો દક્ષિણ ગુજરાતમાં ગઢ છે અને સોલંકી પોતે સૌરાષ્ટ્રના છે. તેઓ કોળી સમાજના વીર માંધાતા જૂથ સાથે પણ જોડાયેલા છે.