ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે સોમવારે રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન સમાજના યુવાનો સામે થયેલા ગુનાહિત કેસો 23 માર્ચ સુધી પરત નહીં ખેંચાય તો રાજ્યવ્યાપી આંદોલન શરુ કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલે દાવો કર્યો હતો હાલ આશરે પાંચ હજાર પાટીદાર યુવાનો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. જેના કારણે તેમને વારંવાર કોર્ટ તેમજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે. હાલના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ આ અંગે રજૂઆત કરાઈ છે, પરંતુ સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ના લીધો નથી.
અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી મૂર્ખ બનાવવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર મહિના, બે મહિનામાં કેસો પાછા ખેંચવાના નિર્ણય લેવાની જાહેરાત કરે છે, પરંતુ આનંદીબેનની સરકારમાં 140 કેસ પરત ખેંચાયા બાદ આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ભાજપને પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવામાં તકલીફ પડતી હોય તો તેની સાથે વારંવાર વાર્તાલાપ કરવાનો કોઈ મતલબ નથી. હાર્દિકે પોતાની વાત કરતા કહ્યું હતું કે મારા પર 32 કેસો ચાલે છે, અને એકમાં બે વર્ષની સજા પણ પડી છે. જો સરકાર ઈચ્છે તો મારી સામેના કેસ ચાલુ રાખી બાકીના પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચી લે.
23 માર્ચ સુધીમાં સરકાર તરફથી કોઈ યોગ્ય નિર્ણય ના લેવાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે તેવી જાહેરાત કરતા હાર્દિકે કહ્યું હતું કે પાટીદાર સમાજ દ્વારા આગામી દિવસોમાં તમામ તાલુકા અને જિલ્લામાં આવેદન પત્ર આપવામાં આવશે. 10 માર્ચથી 15 માર્ચ સુધીમાં રાજ્યના તમામ પાટીદાર ધારાસભ્ય અને સંસદ સભ્યોને ગુલાબનું ફુલ આપી સમર્થન માગવામાં આવશે, અને જો સમર્થન ના મળ્યું તો તેમના નિવાસસ્થાને ધરણા કરવામાં આવશે. કારણકે, આ આંદોલનથી એક વ્યક્તિને નહીં પરંતુ હજારો યુવાનોને ફાયદો થયો છે.