અમદાવાદની સેશન કોર્ટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને બીજા 20 લોકો સામેનો રાયોટિંગનો કેસ પાછો ખેંચી લેવાની રાજ્ય સરકારને મંજૂરી આપી છે. આ કેસ 2015ના પાટીદાર અનામત આંદોલન સંબંધિત હતો. અગાઉ 25 એપ્રિલે મેટ્રોપોલિટન કોર્ટે કેસ પાછો ખેંચી લેવાની રાજ્ય સરકારની વિનંતીને ફગાવી દીધી હતી, તેથી સરકારે સેશન કોર્ટમાં રિવિશન પિટિશન દાખલ કરી હતી.
પાટીદાર અનામત આંદોલન સમયે તોડફોડ અને રાયોટિંગના ગુના સંદર્ભે હાર્દિક પટેલ અને અન્ય આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટના ચુકાદા બાદ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ન્યાયાધીશે એ અવલોકન કરીને કેસ પાછી ખેંચવાની મંજૂરી આપી હતી કે આ કેસ એટલો ગંભીર નથી લાગતો કે કોર્ટ તેને પાછી ખેંચવાનો ઇનકાર કરી શકે. કોર્ટે પાટીદાર અનામત આંદોલન સંબંધિત આવી ઘણા કેસો પાછા ખેંચી લેવાની પરવાનગી આપી છે.
રાજ્ય સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે તેને આ આંદોલન સંબંધિત કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલુ કરી છે.
હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)નો કન્વીનર હતો અને અન્ય આરોપીઓ ગીતા પટેલ સહિત PAAS નેતાઓ હતા. ઉલ્લેખનીય છે કે, 2015માં પાટીદાર આંદોલન દરમિયાન રાજ્યભરમાં 537 એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, આંકડા અનુસાર 44.5 કરોડ રૂપિયાની જાહેર મિલકતને નુકસાન થયું હતું અને 15 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો.