ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદમાં દાખલ કરવામાં આવેલા પાટીદારો સામેના 10 પોલીસ કેસ પાછાં ખેંચી લીધા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કલેક્ટર્સને આપેલી સૂચના મુજબ પોલીસ કેસો પાછા ખેંચી લેવાની વિવિધ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. અમદાવાદની એક સેશન્સ કોર્ટે સાત કેસો પાછા ખેંચવાની છૂટ આપી છે, જ્યારે સિટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ ત્રણ કેસ પાછા ખેંચવાની પરવાનગી આપી છે. આ કેસો કલમ 143, 144 (ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર એકઠા થવુ), 332 (સ્વૈચ્છિક રીતે નુકસાન કરવું) હેઠળના છે. આની સાથે હાર્દિક પટેલ સામે રાજદ્વોહનો એક કેસ સિવાય પાટીદાર અનામત આંદોલન સંબંધિત કોઇ કેસ અમદાવાદની સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ નથી.
તેમણે જણાવ્યું હતું કે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અન્યો સામે દાખલ થયેલો એક ગુનાહિત કેસ પાછા ખેંચવા અંગે 15 એપ્રિલે મેટ્રોપોલિટન કોર્ટ આદેશ આપી શકે છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા 2 કેસ ઉપરાંત, નરોડા, રામોલ, બાપુનગર, સાબરમતી, નવરંગપુરા, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1-1 કેસ અને ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલો એક કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, હાર્દિકે એક મહિના પહેલા ચેતવણી આપી હતી કે જો 23મી માર્ચ સુધીમાં સરકારે પાટીદારો સામેના કેસ પરત નહીં ખેંચે તો રાજ્યમાં ફરી આંદોલન શરુ કરવામાં આવશે. હાર્દિક પટેલ સામે રાજદ્રોહ ઉપરાંત, જાહેરનામાનો ભંગ કરવા સહિતના કેસો નોંધાયેલા છે. વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં નીચલી કોર્ટ તેમને સજા પણ ફટકારી ચુકી છે, અને હાલ હાઈકોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે. અગાઉ હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે હાલમાં આશરે 5,000 યુવાનો સામે આશરે 200 ગુનાહિત કેસ છે. આ યુવાનો સરકારની નોકરી પર અરજી કરી શકતા નથી કે પાસપોર્ટ મેળવી શકતા નથી. મારી સામે રાજદ્રોહ સહિતના આવા 32 કેસ છે.
પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં વ્યાપક ભાંગફોડ તેમજ આગજનીની ઘટનાઓ બની હતી. અમદાવાદના વસ્ત્રાલમાં ટોળું તોફાની બનતાં પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં પિતા-પુત્રના મોત નીપજતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત, બાપુનગરમાં પણ થયેલી ધમાલ બાદ શ્વેતાંગ પટેલ નામના એક યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.