(istockphoto.com)

બ્રિટનમાં રેકોર્ડ અરજીઓના કારણે પાસપોર્ટ મેળવવામાં દસ અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે. પાસપોર્ટ ઑફિસે માર્ચ માસમાં રેકોર્ડ 1.03 મિલિયન અરજીઓ પ્રોસેસ કરી હતી, જે માર્ચ 2019ના અગાઉના ઉચ્ચ સ્તર કરતાં 13 ટકા વધારે છે. આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વધારા તેમજ પેન્ટ-અપ ડિમાન્ડના કારણે અરજીઓમાં તીવ્ર વધારો નોંધાયો છે.

યુરોપિયન યુનિયનમાં મુસાફરી કરતા બ્રિટનના લોકોને ચેતવણી અપાઇ છે કે બ્રેક્ઝિટ પછીના નિયમોને નજરમાં રાખી તેમનો પાસપોર્ટ માન્ય છે કે કેમ તે ચકાસે. નવા નિયમોને કારણે મુસાફરોને એરપોર્ટના દરવાજા પરથી પાછા કઢાયા હતા. EUમાં પ્રવેશ માટે પાસપોર્ટ દસ વર્ષથી વધુ જૂના ન હોવા જોઈએ.

પાસપોર્ટમાં માત્ર છ મહિના બાકી હોય તેમને હવે EUમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવતી નથી. જો કે આ નિયમ આયર્લેન્ડની ટ્રિપ્સ માટે લાગુ પડતો નથી.

પાસપોર્ટ ઓફિસના ડાયરેક્ટર-જનરલ એબી ટિર્નીએ જણાવ્યું હતું કે “અંદાજિત 50 લાખ લોકોએ 2020 અને 2021માં તેમના પાસપોર્ટ રિન્યુ કરવામાં વિલંબ કર્યો હતો. ઉનાળાની રજાઓ નજીક આવી રહી છે ત્યારે લોકોને હમણાં જ અરજી કરવા વિનંતી છે. અમારો સ્ટાફ પાસપોર્ટ અરજીઓ પર શક્ય તેટલી ઝડપથી પ્રોસેસ કરવા અથાક મહેનત કરી રહ્યો છે.”

હાલમાં ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણભૂત 34 પેજના પુખ્ત વયના લોકોના પાસપોર્ટની ફી £75.50 અને બાળકોના પાસપોર્ટની ફી £49 છે. પોસ્ટ દ્વારા અરજી કરનારે £9.50 વધુ ચૂકવવા પડે છે.

યુરોપમાં ડ્રાઇવિંગ કરતા લોકોએ હવે તેમની કારની નંબર પ્લેટ પર નવા UK સ્ટીકર અથવા “સિગ્નીફાયર” લગાવવા પડશે.