ગુજરાત રિજનલ પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓએ અમદાવાદના સરખેજના વિદ્યાર્થીને માત્ર છ કલાકમાં પાસપોર્ટ ઇશ્યૂ કર્યો હતો. સરકારી શાળામાં ધો. 10મા અભ્યાસ કરતા પાર્થ ભોઈને કટકમાં આયોજિત ગેમ્સના ટ્રાયલમાં જવાનું હોવાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેને પાસપોર્ટ સાથે કટક પહોંચવાનું જણાવ્યું હતું.
પાર્થના પિતા નરેશભાઈ અને માતા હેતલબેન આ બાબતે પાસપોર્ટ ઓફિસના અધિકારી રેન મિશ્રા અને હિતેશ માલાણીનો સંપર્ક કર્યો હતો. અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી તે પાર્થ કોમનવેલ્થમાં તલવારબાજી રમવા માટે જવાની તૈયારી કરી રહ્યો છે અને આગામી દિવસોમાં તે માટે ટ્રાયલ કટકમાં રાખવામાં આવી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખાસ તાકીદ કરી છે કે ટ્રાયલમાં જનાર દરેક ઉમેદવાર પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે.
પાર્થના માતા પિતાની રજૂઆત સાંભળીને દેશ માટે રમવા જનાર વિદ્યાર્થીને તાત્કાલિક પાસપોર્ટ કાઢી આપવાની ખાતરી આપી રેન મિશ્રા અને હિતેશ માલાણીએ માત્ર છ કલાકમાં પાસપોર્ટ તૈયાર કરી તેમને સોંપી દીધો હતો. પાસપોર્ટ હાથમાં આવતા જ પાર્થ અને તેના પરિવારના સભ્યો ખુશખુશાલ થઈ ગયા હતા.