લોર્ડ જીતેશ ગઢીયાએ પાર્વતીબેનને શબ્દાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’મહારાણીનું જે દિવસે અવસાન થયું તે જ દિવસે પૂ. પાર્વતીબેન સોલંકીનું અવસાન થયું તે સમાચાર મળતાં ખૂબ જ દુઃખદ અને કરુણ અનુભવ થયો. આ અજોડ સંયોગ સોલંકી પરિવાર પરના આઘાતમાં વધારો કરશે અને એક વિશાળ શૂન્યતા છોડી જશે.’’
‘’મને આશા છે કે સોલંકી પરિવાર અને એશિયન મીડિયા ગ્રુપ પણ પૂ. પાર્વતીબેનના જીવન અને સિદ્ધિઓની ઉજવણી કરી શકશે. વેમ્બલીમાં એક ટેરેસવાળા મકાનમાંથી થયેલો એશિયન મીડિયા ગ્રુપ અને તેના મુખ્ય પ્રકાશનો ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈનો વિકાસ, છેલ્લાં પાંચ દાયકાઓમાં, તે જ સમયગાળામાં વ્યાપક એશિયન સમુદાયની સફરને પણ પ્રતિબિંબિત કરે છે. તેમના પતિ સ્વ. શ્રી રમણીકલાલભાઈની સાથે-સાથે તેઓ બ્રિટિશ એશિયન સમુદાયના પ્રથમ ‘પાવર કપલ્સ’માંના એક હતા. તેઓ સાચી ભાગીદારીમાં કામ કરતા, અને એકબીજાના પૂરક તરીકે, પાર્વતીબેન અને રમણીકલાલભાઈ પોતપોતાના વ્યક્તિગત અધિકારક્ષેત્રમાં સાચા અગ્રણી હતા.’’
‘’તેમનો વિશાળ વારસો આજે તેમના પુત્રો કલ્પેશ અને શૈલેષ દ્વારા આગળ ધપાવવામાં આવે છે અને હવે ત્રીજી પેઢી પણ તેમાં સામેલ છે. હું આશા રાખું છું કે પાર્વતીબેન અને રમણીકલાલભાઈની પ્રેરણા અને આશીર્વાદ સોલંકી પરિવારને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે અને તેઓને તેમના માતા-પિતાના શક્તિશાળી વારસાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરશે.’’