ઓપરેશન હિલમેન હેઠળ ડાઉનિંગ સ્ટ્રીટ અને વ્હાઇટહોલમાં આવેલી યુકેની સરકારી કચેરીઓમાં કોવિડ-19 લોકડાઉન નિયમોના કથિત ભંગની પોલીસ તપાસ પૂર્ણ થઈ હોવાની લંડનના સ્કોટલેન્ડ યાર્ડે તા. 19ને ગુરૂવારે જાહેરાત કરી હતી. પાર્ટીગેટ સ્કેન્ડલની ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ (FPN) અથવા દંડ માટેના રેફરલ્સની કુલ સંખ્યા 126 છે અને તે મે 2020 અને એપ્રિલ 2021 વચ્ચેની ઘટનાઓ સાથે સંબંધિત છે.
પોલીસ દંડ ભરનાર લોકોની ઓળખ જાહેર કરતું નથી પણ ડાઉનિંગ સ્ટ્રીટે પુષ્ટિ કરી હતી કે જૂન 2020માં બ્રિટીશ વડા પ્રધાન માટે કેબિનેટ રૂમમાં યોજાયેલી જન્મદિવસની પાર્ટી માટે દંડ ભરનારાઓમાં બોરિસ જૉન્સન, તેમની પત્ની કેરી અને ચાન્સેલર ઋષિ સુનક હતા.
53 પુરૂષો અને 73 સ્ત્રીઓને દંડ કરાયો હતો જેમાંના કેટલાકને એક કરતાં વધુ વખત દંડ કરાયો હતો. ગ્રેડેશન સ્કેલ પર સેટ કરાયેલો દંડ £100થી શરૂ થઇ £300 સુધી વધ્યો હતો. આ દંડ 28 દિવસની અંદર ચૂકવવો જરૂરી હતો સિવાય કે અપીલ કરવામાં આવે. અપીલના કેસોમાં પોલીસ કેસની સમીક્ષા કરી દંડ પાછો ખેંચવો કે કેસને કોર્ટમાં લઈ જવો તે નક્કી કરતી હતી.
પોલીસે સાવચેતીભરી અને સંપૂર્ણ તપાસના ભાગરૂપે ઈમેલ, ડોર લોગ્સ, ડાયરીની એન્ટ્રીઓ અને સાક્ષીઓના નિવેદનો, 510 ફોટોગ્રાફ્સ અને સીસીટીવી ઈમેજો અને 204 પ્રશ્નોત્તરી સહિત 345 દસ્તાવેજો દ્વારા 12 ડીટેક્ટીવની ટીમની તપાસ બાદ દંડ ફટકાર્યો હતો.
પોલીસ તપાસના નિષ્કર્ષથી પાર્ટીગેટ કૌભાંડમાં ટોચના સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રેના અહેવાલનો માર્ગ સાફ થાય છે અને હવે તેને સંપૂર્ણ રીતે પ્રકાશિત કરવામાં આવશે.