વડા પ્રધાન બોરિસ જૉન્સન “પાર્ટીગેટ” કૌભાંડના કારણે દેશના નેતૃત્વ અને કન્ઝર્વેટિવ પાર્ટી પરની પકડ ગુમાવી રહ્યા છે. જેને પગલે તેમણે સાંસદોને આંતરિક તપાસના પરિણામની રાહ જોવાની વિનંતી કરી આરોપો અને સંકટમાંથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે પ્લાન બીના સખત પ્રતિબંધોને સમાપ્ત કરવાની જાહેરાત કરી બેકબેન્ચ એમપીને શાંત કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ સંસદમાં વાતાવરણ ખૂબ જ ગરમ રહ્યું હતું અને ભૂતપૂર્વ ભૂતપૂર્વ બ્રેક્ઝિટ મિનિસ્ટર ડેવિડ ડેવિસે તેમને પદ છોડવા માટે હાકલ કરી હતી.
હાઉસ ઓફ કોમન્સમાં વડાપ્રધાનના પ્રશ્નોના સત્ર (PMQs)ની થોડી ક્ષણો પહેલાં, બરી સાઉથના કન્ઝર્વેટિવ સાંસદ ક્રિશ્ચિયન વેકફર્ડે વિપક્ષમાં પક્ષપલટો કરવાની જાહેરાત કરી નાટકીય રીતે લેબર પાર્ટીની બેન્ચો તરફ આગળ વધ્યા હતા. લેબર નેતા કેર સ્ટારમરે તેમનું સ્વાગત કરી અન્ય ટોરી એમપીઓને આમંત્રણ આપ્યું હતું.
કોમન્સની આ અથડામણ એક કહેવાતા “પોર્ક પાઈ પ્લોટ”ના અહેવાલો પર આવી હતી, જેની આગેવાની મેલ્ટનનું પ્રતિનિધિત્વ કરતા નવા ટોરી સાંસદ એલિસિયા કેર્ન્સ દ્વારા કરવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડમાં મેલ્ટન મોબ્રે પોર્ક પાઈનું ઘર છે અને તેણી સંસદના 20થી વધુ નવા સભ્યોના જૂથનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેમણે 1922 બેકબેન્ચ સમિતિ માટે તેમના અવિશ્વાસના પત્રોનો મુસદ્દો તૈયાર કર્યો હોવાનું કહેવાય છે.