10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કોવિડ-19 લોકડાઉનનો ભંગ કરીને યોજાયેલી પાર્ટીઓ બદલ સ્કોટલેન્ડ યાર્ડ વધુ દંડ જાહેર કરાશે તેવા અહેવાલો વચ્ચે બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જૉન્સન બે દિવસની ભારતની મુલાકાત પછી શનિવારે યુકે પરત ફર્યા હતા.
જૉન્સનના નેતૃત્વ માટે જોખમી એવા પાર્ટીગેટ કૌભાંડની મેટ્રોપોલિટન પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ હાઉસ ઓફ કોમન્સે આ મુદ્દે સંસદને જાણી જોઈને ગેરમાર્ગે દોર્યું હતું કે કેમ તેની તપાસની તરફેણમાં મતદાન કર્યું હતું.
શુક્રવારે દિલ્હીમાં અંતિમ પત્રકાર પરિષદમાં યુકેના પત્રકારોને પાર્ટીગેટના મુદ્દા પર ધ્યાન દોરવાનો ઇનકાર કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’હું મૈત્રીપૂર્ણ લોકશાહી દેશો સાથેના સંબંધોને મજબૂત કરીને ફરજમાં આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરૂ છું. માત્ર યુક્રેન જ નહીં, વિશ્વભરની પરિસ્થિતિ યુકે અને ભારતને સાથે મળીને વધુ કામ કરવા માટે ફરજ પાડે છે. લોકોએ અમને જે માટે ચૂંટ્યા હતા તે જ અમે કરવા જઈ રહ્યા છીએ.
જૉન્સનને જૂન 2020 માં ડાઉનિંગ સ્ટ્રીટના કેબિનેટ રૂમમાં તેમની જન્મદિવસની પાર્ટી માટે ફિક્સ પેનલ્ટી નોટીસ જારી કરવામાં આવી છે, જે દંડ તેમણે તરત જ ચૂકવી દીધો છે. હવે, યુકેના સરકારી અધિકારીઓએ નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટના બગીચામાં યોજાયેલી “બ્રિંગ યોર ઓન બૂઝ” પાર્ટી માટે દંડ કરવા તપાસ કરી રહ્યા છે. જેમાં જૉન્સને હાજરી આપી હતી. મે 2020માં હાજરી આપનારા કેટલાક અધિકારીઓને પોલીસ દ્વારા દંડ કરાઇ ચૂક્યો છે.
મેટ પોલીસે જણાવ્યું હતું કે જો જૉન્સનને બીજી વખત દંડ થશે તો તે પહેલા દંડ 100 પાઉન્ડ કરતા ડબલ હશે અને જો તેને 14 દિવસની અંદર ચૂકવાશે તો તે અડધો થઇ જશે.
જો કે વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમને હજી સુધી બીજા દંડની નોટીસ મળી નથી. જો તે દંડ પહેલા ઇસ્યુ કરાશે તો 5 મેના રોજ યોજાનારી સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓ પર તેની અસર પડશે.
વડા પ્રધાનના ભૂતપૂર્વ પ્રિન્સિપલ પ્રાઈવેટ સેક્રેટરી માર્ટિન રેનોલ્ડ્સ દ્વારા ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સો કરતાં વધુ કર્મચારીઓને આ પાર્ટી માટે આમંત્રણ મોકલાયું હતું. જૉન્સન લગભગ 25 મિનિટ માટે તેમાં જોડાયા હતા.